પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં જિલ્લા સમિતિની પ્રથમ બેઠક હાલોલમાં યોજાઇ

ધહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

રાજકીય અનુભવ, વિશ્વાસ અને આગેવાનો વધ્યા છે તેથી આવનારા સમયમાં સફળ થઈશુ: દિનેશ બારીઆ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં સંગઠન બાબતે ખુબ ફેરફારો કરવામાં આવ્યા છે અને તાલુકા, જિલ્લા, શહેર નું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓને ઝોનમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે અને ઝોન પ્રમાણે કાર્યકારી પ્રમુખશ્રીઓની નિમણૂંક કરી ઝોનને મજબુત કરવા જવાબદારી આપવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લાને દક્ષિણ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી દેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતરભાઇ વસાવા સાહેબને આપવામાં આવી છે. જેમાં દસ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને હાલમાં જિલ્લા સ્તરનું માળખું બનાવવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં જિલ્લા પ્રમુખ તરીકે રાજકીય કુશળતા અને સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતા પાર્ટીના સિનિયર કાર્યકર દિનેશ બારીઆને જવાબદારી આપવામાં આવી છે. અગાઉ પણ દિનેશ બારીઆ પંચમહાલ જિલ્લાના પ્રમુખ તરીકે તથા પંચમહાલ લોકસભાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળેલી છે તેથી તેમની કામગીરી અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા ને ધ્યાનમાં રાખીને ફરી પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે.
પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત અને મોટું કરવા, પરીણામ લક્ષી બનાવવા જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાની વિવિધ ફ્રન્ટલ સમિતિઓના પ્રમુખ સહિત બાવન જેટલા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. તથા તાલુકા અને શહેરના પ્રમુખશ્રીઓની પણ વરણી કરવામાં આવી છે આ તમામ પદાધિકારીઓની આજ રોજ હાલોલ સર્કીટ હાઉસ પર બેઠક બોલાવવામાં આવી હતી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, આ બેઠક પદાધિકારીઓને માહિતી, માર્ગદર્શન માટેની રાખવામાં આવી હતી તથા હોદ્દેદાર તરીકેની જવાબદારી બાબતે પણ સમજ આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો રાજકીય અનુભવ વધ્યો છે, અમારો વિશ્વાસ પણ વધ્યો છે અને અમારી સાથે રાજકીય આગેવાનો પણ વધ્યા છે તેથી હવે પછી અમારા કામમાં અને આયોજનમાં સુધારો જોવા મળશે.
લોક સંપર્ક કરવા, લોકો વચ્ચે જવા અને લોકોની સમસ્યાઓ જાણવા પાર્ટી તરફથી એક અઠવાડીક કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે દર શનિવારે “તિરંગા સભા” કાર્યક્રમ કરવા જણાવાયું છે. આ તિરંગા સભા કાર્યક્રમ દર શનિવારે દરેક તાલુકામાં અને શહેરમાં યોજાશે જ્યાં લોકો સાથે સંપર્ક કરી તેમની સમસ્યાનો જાણવામાં આવશે અને તેના ઉકેલ માટે જે તે વિભાગમાં જાણ કરવામાં આવશે. આમ આ કાર્યક્રમને ગામે ગામ પહોંચાડીશું અને સતત લોક સંપર્ક માં રહીશું તેમ જણાવ્યું હતું.
જિલ્લા સમિતિમાં પાંચ ઉપ પ્રમુખ, બે મહામંત્રી, પાંચ મંત્રી, પાચ સહમંત્રી, કારોબારી સભ્યો, ખજાનચી, પ્રવક્તા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, મિડિયા ઇન્ચાર્જ સહિત જિલ્લાની વિવિધ સમિતિઓ મહિલા, યુવા, કિસાન, ઓબીસી, એસટી, એસસી, લઘુમતિ , વેપારી, શિક્ષણ, સહકાર, શ્રમિક, વિચરતી અને વિમુક્ત જાતિ, વિદ્યાર્થી, જેવી સમિતિઓના જિલ્લા પ્રમુખશ્રીઓની પણ વરણી કરવામાં આવી છે. તથા તમામ તાલુકા અને શહેર પ્રમુખશ્રીઓની પણ વરણી નક્કી કરવામાં આવી છે તેમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. આ પદાધિકારીઓની આજની જિલ્લા સમિતિની પ્રથમ બેઠકમાં ઉપસ્થિતિ રહી હતી જ્યારે બીજી બેઠક ગોધરા ખાતે રાખવામાં આવનાર છે. જે નવનિયુક્ત પદાધિકારી આજની બેઠકમાં હાજર નથી રહી શક્યા તેઓ બીજી બેઠક ગોધરા ખાતે રાખવામાં આવનાર છે તેમાં ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here