પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે “ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ કાર્યક્રમ હેઠળ સાયકલ રેલી યોજાઇ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકીએ સાયકલોથોન રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

જિલ્લાના વિલેજ લેવલ પીએચસી અને સબ સેન્ટરો ખાતે 350થી વધુ રેલીઓનું આયોજન 7230થી વધુ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજયનાં નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, તેમની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં પણ “સાયકલ ચલન થકી બિનનચેપી રોગથી મુક્તિ” સુત્ર હેઠળ સાયકલ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વિલેજ લેવલ પીએચસી અને સબ સેન્ટરો ખાતે 350થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7230થી વધુ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સાયક્લોથોન રેલીનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકીનાં હસ્તે આ રેલીને સરદાર નગરખન્ડ ખાતેથી ફ્લેગઓફ કરાવવામાં આવી હતી. તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો, સાયકલ ચલાવો તેવો અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સાયકલ ઉત્તમ વ્યાયામ છે અને નજીકના સ્થળોએ આવવા-જવા માટે તેનો ઉપયોગ પર્યાવરણ માટે લાભદાયક નીવડે છે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં આ પ્રકારની પહેલ અતિ ઉપયોગી નીવડશે. આ કાર્યક્રમથી આરોગ્ય જાગૃતિ માટે વ્યાયામની અનિવાર્યતાનો સંદેશ મળે છે તેવી લાગણી વ્યકત કરતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર યુવા સમુદાયને આરોગ્ય જાગૃતિ માટે પ્રેરિત કરવા આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે.
આ સાયકલ રેલી સરદારનગર ખંડથી ચર્ચ, ગાંધી પેટ્રોલ પંપ, પરવડી સર્કલ, ગદુકપુર સર્કલ, બામરોલી રોડ થઈને સરદાર નગરખંડ પરત ફરી હતી. આ સાયકલ રેલીમાં આરોગ્ય વિભાગ, એસઆરપી, રમતગમત વિભાગ અને શાળાના બાળકો સહિત ૧૫૦થી વધુ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.મિનાક્ષી ચૌહાણ, એડીએચઓ ડો. પરમાર, આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવ, ઈએમઓ ડો. બી.કે. પટેલ, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર ડો. ભુરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here