નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના આયોજન અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧ મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાશે

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં ૨૮૧૪ બાળકો, બાલવાટિકામાં ૬૯૫૦, ધોરણ-૧માં ૮૦૮૮ ભૂલકાંઓ તેમજ ધોરણ-૯માં ૫૫૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરી શિક્ષિત ભાવિ પેઢિનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે પ્રતિવર્ષ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. આ વર્ષે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧ મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી માટે બનાવેલી શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના સભ્યોની ગતરોજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની નર્મદા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં ભૂલકાંઓનો પ્રવેશોત્સવ બની રહે તે જોવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી માટે કુલ ૮૪ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના સનદી અધિકારીઓ, મંત્રીઓ, જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ એક દિવસમાં ત્રણ શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે. જિલ્લાની કુલ ૭૬૪ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં આંગણવાડીમાં ૨૮૧૪ બાળકો અને બાલવાટિકામાં ૬૯૫૦ તેમજ ધોરણ-૧માં ૮૦૮૮ ભૂલકાઓ તેમજ ધોરણ-૯માં ૫૫૭૨ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

નર્મદા કલેક્ટરાલય માં મળેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય એમ.જી.શેખ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here