નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં ગરૂડેશ્વર તાલુકામાં “કિસાન સૂર્યોદય યોજના” નો પ્રારંભ : ૭ ગામોને અપાયેલો લાભ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી રમણભાઇ પાટકર, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેશ્રી ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, એ.પી.એમ.સીના ચેરમેનશ્રી જયંતીભાઇ તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી શારદાબેન તડવી તેમજ ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે ગરૂડેશ્વર એ.પી.એમ.સી ખાતે નર્મદા જિલ્લામા બીજા તબક્કમાં ગરૂડેશ્વર તાલુકામાં “ કિસાન સૂર્યોદય યોજના” ના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં રાતનાં ઉજાગરા, વન્ય જીવ જંતુ કરડવાના ભયમાંથી મુક્તિની સાથે પાણીનો વ્યય પણ અટકશે અને ખેડૂતો પોતાના ખેત પેદાશોની સારી ઉપજ પણ મેળવી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો પોતાના મૂલ્યવર્ધિત પાકોનું પ્રવાસીઓને તેના વેચાણ થકી ખેડૂતોની આવકમાં પણ વૃધ્ધિ થશે.

નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં “કિસાન સૂર્યોદય યોજના” નો ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, બિલથાના, ગલૂપુરા, ભેખડીયા, પાન તલાવડી, વવીયાલા અને અકતેશ્વર ગામથી પ્રારંભ થયો છે. આગામી સમયમાં જિલ્લાના તમામ ખેડૂતોને તબક્કાવાર આ યોજના અંતર્ગત દિવસ દરમિયાન ૮ કલાક વીજ પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાશે. અગાઉ તિલકવાડા ખાતે માત્ર એકજ ૬૬ કે.વી. વીજ સબ સ્ટેશન હતું, તેની જગ્યાએ ગરૂડેશ્વર તાલુકામાં હાલમાં ૨ સબસ્ટેશન કાર્યરત થયેલ હોઇ, ખેડૂતોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહ્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી અને નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ પણ પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતાં, પ્રારંભમાં ડીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અને નોડલ અધિકારીશ્રી એન.જી.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં કાર્યપાલક ઇજનેરશ્રી એ.જી.પટેલે આભાર દર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here