છોટાઉદેપુર જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રો આગામી તા.૨૦ મી જૂન સુધી સવારના ૦૯-૦૦ થી સાંજના ૦૬-૩૦ કલાક સુધી કાર્યરત રહેશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના દાખલાઓ સરળતાથી મળી રહેશે

છોટાઉદેપુરના નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવ્યા મુજબ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ નું પરિણામ જાહેર થતા આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે તેમજ સરકાર દ્વારા જાહેર થતી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટે વિવિધ પ્રકારના દાખલા મેળવવા માંગતા વિદ્યાર્થીઓને સરળતાથી દાખલા મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રો આગામી તા.૨૦/૦૬/૨૦૨૪ સુધી સવારના ૦૯-૦૦ થી સાંજના ૦૬-૩૦ કલાક સુધી કાર્યરત રહેશે.

આ ઉપરાંત અરજદારો/વિદ્યાર્થીઓ દર વર્ષે નવો જાતિનો દાખલો કઢાવતા હોય છે અથવા કોઇ ફોર્મ ભરતી વખતે જાતિના દાખલાની નકલ જોડવાને બદલે અસલ દાખલો ફોર્મમાં જોડી દેતા હોવાથી નવો જાતિનો દાખલો કઢાવવાની ફરજ પડે છે. એકવાર કઢાવેલ જાતિનો દાખલો જીવનભર માન્ય રહે છે, માટે તેની ઝેરોક્ષ (નકલ) કાઢી પ્રમાણિત કરી ઉપયોગ કરવામાં આવે તો વારંવાર નવો દાખલો કઢાવવાની જરૂરિયાત ઉભી થતી નથી.

ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીશ્રી દ્વારા રૂ.૫,૦૦,૦૦૦/- ની આવક મર્યાદા સુધીમાં આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે તથા રૂ.૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ)થી વધુ આવકના દાખલા મામલતદાર કચેરીએથી કાઢી આપવામાં આવે છે. આવકનો દાખલો ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રહે છે તેમજ તેની પ્રમાણિત નકલો દરેક જગ્યાએ માન્ય રહે છે તેમ આ યાદીમાં વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here