છોટાઉદેપુર ખાતે અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી તેની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો કર્યા

નવનિર્માણ પામતી ૨૧૨ બેડની સુવિધાસભર આ હોસ્પિટલમાં કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીશ્રીની ટકોર

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર -૧ ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટા ઉદેપુર ખાતે અંદાજિત રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી, આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપી હતી.

નોંધનીય છે કે, છોટાઉદેપુર ખાતે અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં ૨૧૨ બેડની સુવિધા ઉપલબ્ધ બનશે જેમાં ૧૦૦ જનરલ બેડ, ૫૦ ક્રિટિકલ કેર યુનિટ, ૪૨ પીડિયાટ્રિક યુનિટ, ૨૦ ICU, ઓપરેશન થિયેટર, લેબરરૂમ, ફિજીયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓમાં મળશે.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલાકાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સી.બી.ચોબીસા, સિવિલ સર્જનશ્રી સમીર પારીખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here