છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા માટે આગામી તા. ૬ જુલાઈ સુધી અરજી કરી શકાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં જમીન મહેસુલ તથા વિવિધ પ્રકારના દાવા સહીતના સરકારશ્રી/કલેક્ટર કચેરી તેમજ તાબાની કચેરીઓ સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકારશ્રી પક્ષે રજુઆત તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ તથા તા.૦૫/૦૬/૨૦૨૧ ના ઠરાવથી નક્કી થયેલ શરતો, બોલીઓ, જવાબદારી અને લાયકાતના ધોરણે કલેક્ટર કચેરી, છોટાઉદેપુર ખાતે ૧૧ (અગિયાર) માસની મુદ્દત માટે કરાર આધારિત એક (૧) કાયદા અધિકારીની નિમણૂંક કરવાની છે. આ જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારો તા. ૦૬/૦૭/૨૦૨૪ સુધીમાં કલેકટર કચેરીને મળી જાય તે રીતે સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, છોટાઉદેપુર ખાતે રૂબરૂ/ટપાલ દ્વારા મોકલવાની રહેશે.
અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી), મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવા. (કવર પર “કલેક્ટર કચેરી, છોટાઉદેપુર ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટેની અરજી” એવું દર્શાવવું).
આ જગ્યા માટે અરજદારશ્રીની ઉંમર જાહેરાતની તારીખે ૫૦ (પચાસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, કાયદા (સ્પેશ્યલ)ની ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા એચ.એસ.સી બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ ની કલમ-૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
વધુમાં હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, હાઈકોર્ટમાં એડવોકેટ અથવા સરકારી વકીલ અથવા એટર્ની તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોના પાંચ વર્ષનો અનુભવ. ઉક્ત અનુભવ અંગે પ્રમાણપત્ર ઉમેદવાશ્રીએ જ્યાં પ્રેકટીસ કરેલ હોય તે રજીસ્ટ્રારશ્રી કોર્ટ, સંબંધિત જિલ્લા નામ. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી અથવા સંબંધિત સીટી સિવિલ કોર્ટના મ્યુનિસીપલ સિવિલ જજશ્રી અથવા કંપની કાયદા, સરકાર હસ્તકના નિગમ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઈએ. (સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ ના ઠરાવના પરિશિષ્ટ-૩ માં જણાવેલ વિગતે અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.)
ઉમેદવારશ્રી ગુજરાતી બોલવા, વાંચવા અને લખવામાં તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવામાં સક્ષમ હોવા જોઈએ. તે અંગેનું પ્રમાણપત્ર ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા પ્રમાણિત કરી અરજી સાથે બીડવાનું રહેશે.
આ જગ્યા માટે માસિક રૂા. ૬૦,૦૦૦/- ફિક્સ પગાર ચુકવવામાં આવશે.
વધુમાં સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ ના ઠરાવના પરિશિષ્ટ-૩ તથા અન્ય આનુષાંગિક માહિતી પરિશિષ્ટ-૧ તથા ૨ એમ.એમ.જી. શાખા, જિલ્લા કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતેથી ચાલુ કામકાજના દિવસ દરમિયાન તા. ૦૪/૦૭/૨૦૨૪ સુધીમાં સવારના ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક દરમિયાન રૂા. ૧૦૦/- (નોન રીફંડેબલ) “૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવા” સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. અનુભવ તથા લાયકાત માટે પરિશિષ્ટ-૩ ની જોગવાઈ લક્ષમાં લેવાની રહેશે. કરાર આધારિત નિમણૂંક પામેલ કાયદા અધિકારીશ્રીએ પરિશિષ્ટ-૧ તથા ૨ ની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તથા છોટાઉદેપુર જિલ્લાને લગતી કામગીરી કરવાની રહેશે.
આ ઉપરાંત ઉમેદવારે કોઈ ગુન્હાહીત કૃત્યમાં સંડોવાયેલ નહી હોવા અંગેનું ડેક્લેરેશન રજુ કરવાનું રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ વગેરેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં તેમ કલેક્ટર કચેરી, છોટાઉદેપુરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here