ગુજરાત બજેટ 2024 મા સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે રૂ. 475 કરોડની જોગવાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એકતાનગર ખાતે આકાર પામશે સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર – રૂ. ૨૫ કરોડની ફાળવણી

ગુજરાત વંદના તથા વીર બાળક સ્મારક જેવા આકર્ષણો પણ ઉમેરાશે

આશાસ્પદ હોસ્પિટાલિટી ડિસ્ટ્રીકટ પ્રોજેકટ માટે રૂ. ૩૦૦ કરોડની ફાળવણી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને માળખાકીય વિકાસ માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી

ગુજરાત સરકારનું શુક્રવારે રજુ થયેલ વર્ષ 2024-25ના બજેટમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને તેના હેઠળ ગુજરાતના વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવામાં આવશે. એકતા નગર માટે બજેટમાં રૂ. 475 કરોડ કરતા વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે.બજેટમાં જાહેરાત કરાયેલ તમામ કાર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર ના અધ્યક્ષ અને નર્મદા નિગમના વહીવટી સંચાલક મુકેશ પૂરી અને મુખ્ય કારોબારી અધિકારી અને નર્મદા નિગમના સંયુકત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલના સંયુકત માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવશે.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ શુક્રવારે વિધાનસભામાં વર્ષ 2024-25 માટેનું બજેટ રજુ કર્યું. બજેટમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા પર ખાસ ભાર મૂકાયો છે. નાણા મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર માટે વિવિધ આકર્ષણો ઉમેરવા માટે રૂ. 475 કરોડ કરતા વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. બજેટની જોગવાઇઓ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડ, એકતા નગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂ. ૩૦૦ કરોડ અને એકતા નગર ખાતે જ સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરના પ્રોજેક્ટ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં એકતા નગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથે વીર બાળક ઉદ્યાન બનાવવાના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે.

શું છે ગુજરાત વંદના મ્યુઝિયમ ?

હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત વંદના મ્યુઝિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ ગૌરવશાળી ગુજરાતની યાદ અપાવશે. તેની સુંદર ગેલેરીઓ તથા દૃશ્યના માધ્યમથી તેના વિકાસ પથની જાણ થઈ જશે. આ મ્યુઝિયમ રાજ્યની ભવ્યતા, રાજ્ય દ્વારા આત્મસાત કરાયેલ સંભારણાઓનું તારણ તથા રાજ્યના ગૌરવશાળી અતીતને સામે લાવશે. એકતા નગરમાં એકતા નર્સરી તથા ગોરા બ્રિજ પાસે 10 એકર વિસ્તારમાં આકાર પામનાર ગુજરાત વંદના મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે.

શું છે વીર બાળક ઉદ્યાન ?

વીર બાળક ઉદ્યાન એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 30 એકરમાં આકાર પામશે. આ મ્યુઝિયમ પ્રાચીનકાળથી ભારતમાં બાળકોની વીરતા તથા બુદ્ધિમત્તાનું સન્માન કરશે. બાળકો/બાળ વીરોની બહાદુરીના અનુસરણ કરવા યોગ્ય કાર્યોને યાદ કરવા માટે ઉદ્યાનને એક પ્રાકૃતિક તથા સઘન ભૂદૃશ્ય વાસ્તુકલા (dense landscaping architecture) તરીકે વિકસિત કરવામાં આવશે. મુલાકાતીઓ જ્યારે મ્યુઝિયમ પાર્ક વડે નેવિગેટ કરે, ત્યારે તેમની તમામ પાંચેય ઇન્દ્રિયો જાગૃત થઈ જાય, તેવી વનસ્પતિના વિવિધ તત્વો તથા પ્રજાતિઓની પસંદગી કરી આ ઉદ્યાનમાં લગાવવામાં આવશે. પ્રવાસીઓને આ પરિદૃશ્ય સાથે જોડી દેવાનો પ્રયત્ન કરવામાં આવશે.

શું છે દેશી રજવાડાઓનું મ્યુઝિયમ ?

એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા લીમડી બ્રિજ નજીક 5.5 એકરમાં નિર્માણ પામનાર મ્યુઝિયમ ઓફ રોયલ કિંગ્ડમ્સ એટલે કે દેશી રજવાડાઓના મ્યુઝિયમનું ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ભારતના દેશી રજવાડાઓનું આ મ્યુઝિયમ જે તે વખતના શાસકોના જીવન, સંસ્કૃતિ, વારસા અને સરદાર પટેલના એકજુટ તથા સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણના ભવ્ય વિઝનમાં રાજા-રજવાડાઓના વિશાળ યોગદાનનો ચિતાર આપી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

કેવું હશે સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર ?

તેવી જ રીતે સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર વડે સરદાર સરોવર ડેમના નિર્માણની રિમાર્કેબલ સફર, ડેમના એન્જીનિયરિંગ કૌશલ્ય, નિર્માણની સમગ્ર ગાથા, પર્યાવરણીય મુશ્કેલીઓ, તેના નિવારણ, વસ્થાપિતોના પુનર્સ્થાપન તથા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ડેમના કારણે વિવિધતા તથા સમુદાય પર પડેલ અસરો વિગેરેનો માહિતીપ્રદ અનુભવ કરી શકાશે. 41897 સ્ક્વેયર મીટરમાં આકાર પામનાર આ સેન્ટર ખાતે 5 ગેલેરીઓ હશે. તેમાં પ્રોજેક્ટ વિઝન, મેકિંગ ઓફ ધ ડેમ, નોઇંગ ધ ડેમ, સ્ટોરી ઓફ નર્મદા, ઊર્જા ગેલેરી વૉકવે તથા ઊર્જા ગેલેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વ્યુઇંગ ચેક, રિસેપ્શન, કાફે, સોવેનિયર સ્ટોર જેસી સુવિધાઓ પણ હશે.

હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ

વડાપ્રધાન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 31 ઓક્ટોબર, 2018ના રોજ થયેલ ઉદ્ઘાટન બાદ તેને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા માટે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટની પરિકલ્પના કરવામાં આવી હતી. ગરુડેશ્વર પાસે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ એકતાનગર ખાતે આયોજનબદ્ધ રીતે આવાસ સુવિધા વધારવી,રાજ્યોની સંસ્કૃતિઓની વિશિષ્ટતાની ઉજવણી કરવી, વિસ્તારને પગપાળા ચાલવા યોગ્ય બનાવવું, કૉર્પોરેટ/સરકારી કૉન્ફરન્સો/બેઠકો/એગ્ઝીબિશન/તહેવારોને આકર્ષવા સુવિધાઓ વિકસિત કરવી, રિન્યૂએબલ ઊર્જા સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો છે. આ ઉપરાંત હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ હેઠળ સંપૂર્ણ રિવરફ્રન્ટ, લેન્ડસ્કેપિંગ, રિટેલ સ્ટ્રીટ, વિઝિટર્સ સુવિધા, મલ્ટીલેવલ કાર પાર્કિંગ તથા રહેવાની સગવડ સાથે 3000થી 5000 રૂમ્સ વિકસિત કરવામાં આવશે. હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટને મોડ્યુલર તેમજ તબક્કાવાર રીતે વિકસિત કરવાનું આયોજન છે કે જ્યાં સરકાર દ્વારા જનસામાન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. વ્યક્તિગત પ્લોટ્સના વિકાસ માટે જુદા-જુદા ઓપ્શન તૈયાર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here