કાલોલ તાલુકાના રામનાથ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક મળી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જિલ્લા પ્રમુખ દ્વારા તાલુકા ઉપપ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી

કાલોલ તાલુકાના રામનાથ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં રાખવામાં આવી.
આ મિટિંગમાં આવનારા દિવસોમાં તાલુકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત કેવી રીતે બનાવવું તથા સ્થાનિક સમસ્યાઓને જાણવા અને તાલુકામાં કેવા પ્રકારના કાર્યક્રમો કરવા વિગેરે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ઉપસ્થિત સૌ કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, ગામની અને લોકોની સામૂહિક સુખાકારીના લાભોથી વંચિત રહેતી સમસ્યાઓને જાણવાનો અને તેના ઉકેલ માટે તંત્રને જાણ કરવાનું છે. પરિણામ શું આવશે એ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે લોકોની સમસ્યાઓનો અવાજ બનવાનો સમય છે. આપણે તેઓની સમસ્યાઓને વાચા આપીશું તો પણ તેઓનું દિલ જીતીશું એટલે અત્યારે કોઈ પક્ષ કે વ્યક્તિનો વિરોધ કરવાની વાતો કરતાં લોકોની સમસ્યાઓની વાતો કરીએ. શાસક પક્ષ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નબળાઇઓને લોકો હવે જાણે છે એટલે આપણે એ કહેવાની જરૂર નથી.
એમ કહી સકારાત્મક રાજનીતિના સંકેત આપ્યા હતા. આજની મિટિંગમાં તાલુકા ઉપપ્રમુખ તરીકે રામનાથ ગામના અરવિંદભાઇ પટેલ તથા મહામંત્રી તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડની નિમણૂક જિલ્લા પ્રમુખે જાહેર કરી હતી.
આજની મિટિંગમાં તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, જિલ્લા યુવા મહામંત્રી ભરતભાઈ રાઠવા, તાલુકા યુવા પ્રમુખ તુષાર સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here