કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામના સરપંચનું અંગદાન જાગૃતિનું મહાઅભિયાન… છ મહિનામાં ૯૪,૦૦૦ થી વધુ લોકોએ અંગદાન માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

માણસ માત્રનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે મૃત માનવીનું શરીર અગ્નિદાહ કે દફન દ્વારા પંચમહાભૂતોમાં વિલિન થઈ જાય છે ત્યારે મૃતક વ્યક્તિના શરીરના ઘણા ઉપયોગી અંગો અન્ય જરૂરીયાતમંદ વ્યક્તિના શરીરને નવજીવન આપી શકે છે એ આધુનિક મેડિકલ સાયન્સની સંભાવનાઓને આધારે કાલોલ તાલુકાના પીગળી ગામના સરપંચે અંગદાન મહાદાનના જાગૃતિ અભિયાનની ઝુંબેશ ચલાવતા એ ઝુંબેશને પગલે હાલ સુધીમાં ૯૪,૨૦૦ લોકોએ અંગદાન માટેનું રજીસ્ટ્રેશન કરાવતા અંગદાન અભિયાનની સફળતા સિદ્ધ થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીએ આ અંગદાન મહાદાન અભિયાન આદરીને અનોખો યજ્ઞ શરૂ કર્યો છે, આ અભિયાન અંગે સરપંચે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન અનેક લોકોના મોત નિપજતા હતા ત્યારે મૃતકોના અગ્નિસંસ્કાર થતા હતા તે સમયે તેમને વિચાર આવ્યો કે, માણસના અવસાન બાદ તેમનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે ત્યારે તેમના મૃત્યુ બાદ મૃત માનવીની આંખ, કિડની, લીવર જેવાં વિવિધ અંગોનું દાન કરે તો કોઇ પણ જરૂરીયાતમંદ વ્યક્તિની જિંદગી બચી શકે છે. જેથી સરપંચે આ અભિયાન શરૂ કરવા માટે સંકલ્પ કરીને અંગદાન માટેના વિચાર તેમની પત્ની સમક્ષ મૂક્યો હતો એ સમયે પત્નીએ કહ્યું કે, શરૂઆત તમારાથી નહીં, પણ મારાથી કરો. એટલે અંગદાન કરવા માટે પ્રથમ રજિસ્ટ્રેશન પત્નીએ કરાવ્યું હતું ત્યાર બાદ સરપંચે પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને અભિયાનનો પ્રારંભ કર્યો હતો ત્યાર પછી તેમના સાથી મિત્રો દશરથસિંહ સોલંકી, પ્રતાપસિંહ સોલંકી વગેરે મિત્રોનું રજિસ્ટ્રેશન કરાવીને સ્વપ્રેરણાએ પોતાનો સમય અને પોતાની મુડી ખર્ચીને સગા સબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જે અભિયાન આદરીને સાત માસના જ ટૂંકાગાળામાં ૯૪,૨૦૦ વ્યક્તિઓએ રજિસ્ટ્રેશન કરાવીને અભિયાનને સફળ સમર્થન સાંપડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલું વર્ષે આપણો દેશ આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, તદ્ઉપરાંત ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મો જન્મદિવસ પણ ઉજવાયો છે જેથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે અને વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસ સુધીમાં ૭૫ હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો એ લક્ષ્યાંક પણ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અને આગામી નવા વર્ષ સુધીમાં એક લાખ રજીસ્ટ્રેશન કરાવવાના લક્ષ્યાંક નક્કી કર્યો છે, એ માટે તાજેતરમાં દશેરા પર્વ નિમિત્તે ખંડોળી ગામના જલારામ મંદિર ખાતે મળેલા કાલોલ તાલુકાના ગામેગામના ક્ષત્રિય સમાજના સમારોહમાં સૌ ક્ષત્રિયોને તદ્ઉપરાંત angdanmahadan.in નામની વેબસાઈટના માધ્યમથી પણ અંગદાન મહાદાન અંગે માહિતી અને માર્ગદર્શન સાથે ઓનલાઇન માધ્યમ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની સુગમતા ઉપલબ્ધ હોવાની અપીલ કરી છે.

આમ કાલોલ તાલુકાના એક નાનકડા ગામના સરપંચે અંગદાન મહાદાનની મુહિમ ઉપાડીને સામાજિક સેવા કરવાનો જે અંગદાનનો મહાયજ્ઞ આદર્યો છે એ અનેકવિધ રીતે જીવનદાનથી ઓછું નથી.

અભિયાનનો અવાજ:
કુદરતી કે અકસ્માતના કારણે અનેક લોકોના મોત નિપજતા હોય છે, ત્યારે મૃત્યુ થયા બાદ મૃતક વ્યકિતના કીડની, લીવર, હાર્ટ, આંતરડા, ફેફસા જેવા અંગો ૬થી ૧૨ કલાક સુધી જીવંત રહે છે જે અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ લોકોમાં પ્રત્યાપર્ણ કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી શકે છે. લોકોમાં તેની જાગૃતિ નહીં હોવાથી હજારો લોકો અંગદાન કર્યા સિવાય જ મૃત્યુ પામે છે માટે અમે આ અંગદાનની જાગૃતિ અભિયાનની ઝુંબેશ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here