એકભારત શ્રેષ્ઠ ભારત એકતાનગર ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમના યાત્રિકોએ મનમૂકીને નર્મદા કલેક્ટર સાથે સેલ્ફી ખેંચી ગૌરવનો ભાવ પ્રગટ કર્યો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

તમિલનાડુથી આવેલા ધોરણ -11માં અભ્યાસ કરતા હરિરામ નામના વિદ્યાર્થીએ વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સંગીતમય સુરાવલી સાથે પ્રસ્તુત કરતાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમની શરૂઆત ગત તા.17મી એપ્રિલે સોમનાથથી શરૂ થયો છે. સોમનાથ, દ્વારકા, સૌરાષ્ટ્રના મહત્વના સ્થળે ફરીને ટ્રેન મારફત વડોદરા સુધી યાત્રિકો આવ્યા હતા. અને સવારે 10:30 કલાકે વડોદરાથી બસ મારફત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રત્યેક યાત્રિકોને ફૂલછડી આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તેમજ SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પણ બુકે આપી તમિલ સંગમ કાર્યક્રમના કન્વીનર અને અગ્રણી,ઓ મહાનુભાવોનો ઢોલ નગારા તેમજ આદિવાસી નૃત્ય, પહેરવેશ દ્વારા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટેન્ટસિટી-2 ખાતે ભોજન બાદ યાત્રિકોને છ બસો દ્વારા ત્રણ અલગ અલગ ગ્રુપમાં એકતા નગરની સફરે લાવવામાં આવ્યા હતા. એકતા મોલ ખાતેના વિવિધ રાજ્યોના સ્ટોલ અને કલા, ચીજ વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન નિહાળવા યાત્રિકોને લાવવામાં આવ્યા હતા. આ સ્થળે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રિકોએ મન મૂકીને જિલ્લા કલેકટર સાથે એક સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ અને રસ દાખવ્યો હતો. જિલ્લા કલેકટરે પણ સ્મિત, હાસ્ય સાથે સેલ્ફી આપીને પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ જણાવ્યું હતું. મહિલાઓ, યુવાનો અને તમિલનાડુના વડીલો પણ સેલ્ફી લેવા અધીરા બન્યા હતા અને પોતાની યાત્રાને યાદગાર બનાવવા એક સેલ્ફી ક્લિક કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સમગ્ર પ્રવાસ અને દિવસ દરમિયાન તમિલનાડુથી આવેલા ધોરણ -11માં અભ્યાસ કરતા હરિરામ નામના વિદ્યાર્થીએ પણ પોતાના પ્રવાસ અને વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સંગીતમય સુરાવલી સાથે પ્રસ્તુત કરતાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુંલ ચૌધરી, સરકારી વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, નોડલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બસના રૂટ દ્વારા યાત્રિકોને માઈક મારફતે રૂટ ગાઈડ અને જરૂરી સૂચના આપી સુંદર રીતે બસ સંચાલન અને તમિલ ભાષામાં પ્રવાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રવાસીઓને ક્યાંય તકલીફ કે મુશ્કેલી ન પડે તેવું વ્યવસ્થાપન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવાસની સાથોસાથ વિવિધ પ્રોજેક્ટમાં મુલાકાતે જતા પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો તેમજ ઈ-કાર્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથોસાથ યાત્રિકોની સલામતી માટે આરોગ્ય વિભાગ દ્વારા મુલાકાતના તમામ સ્થળોએ મેડિકલ ટીમો સાથે રાખવામાં આવી હતી. જ્યારે સલામતી જાળવવા પોલીસ વિભાગ દ્વારા એસ્કોર્ટ સહિતની જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here