ED દ્વારા રાજ્ય સભાના સાંસદ સંજયસિંહની ધરપકડના વિરોધમાં “આપ” ના કાર્યકરો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ભાજપ સરકાર રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર નિખાલસ, ન્યાયિક અને સમાનતાની દ્રષ્ટિએ કામ (રાજનીતિ) કરે: પ્રમુખ દિનેશ બારીઆ

તાજેતરમાં દેશની રાજનીતિમાં ઘણા મુદ્દાઓ વિશે ચર્ચાઓ થતી જોવા મળે છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શાસક પક્ષ તથા વિપક્ષો સામ સામે આવી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. વિપક્ષો દ્વારા ‘ઇન્ડિયા’ નામનું ગઠબંધન થતા ભાજપ સરકારે દેશની ઓળખ ફક્ત ‘ભારત’ જ રાખવાની વાત મુકી છે. આમ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ બાબતે ચર્ચા વિશે જોર પકડ્યું છે ત્યારે દિલ્હીમાં કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની કેજરીવાલ સરકાર વચ્ચે હાલ લડત થઈ રહી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીમાં દારુ શૉપની પરવાનગીના મુદ્દે કૌભાંડ થયું હોવાનાં બહાના હેઠળ, કથિત કૌભાંડની આશંકાના આધાર પર, પુછ પરછ માટે, તપાસ કરવાના નામે દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાની ભારત સરકારની તપાસ એજન્સી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને છેલ્લા પંદર મહિનાથી તપાસ ચાલી રહી છે અને મનિષ સિસોદિયાને જેલમાં રાખવામાં આવ્યા છે. કથિત કૌભાંડની તપાસમાં હજું સુધી કોઈ જ પ્રકાર આધાર પુરાવા સિસોદિયા સામે તપાસ એજન્સીને મળ્યા નથી તેવું જાણવા મળે છે તેમ છતાં ઇડી દ્વારા આમ આદમી પાર્ટીના વધું એક નેતા કે જેઓ રાજ્ય સભાના સાંસદ છે તે સંજયસિંહ ની ધરપકડ કરવામાં આવી છે તેથી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળે છે.
આજે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ દર્શાવવા “મૌન રેલી” નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાંથી પાર્ટીના જિલ્લા, તાલુકા અને શહેરના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો તથા સમર્થકો રેલીમાં જોડાયા હતા. શ્રી રામજી મંદિર લાલબાગ ટેકરી પાસેથી પાંજરાપોળ થઇને ગાંધી ચોક સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા સત્ય અને અહિંસાના પૂજારી એવા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલીનું સમાપન કર્યું હતું. આને કેન્દ્ર સરકાર તથા ઇડીની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
આ મામલે પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સત્તાનો અને કાનુની પ્રક્રિયાનો ભરપુર દુર ઉપયોગ કરી રહી છે. કેન્દ્ર સરકારના નેજા હેઠળ કામ કરતી તપાસ એજન્સીઓનો દુર ઉપયોગ કરી દેશમાં વિપક્ષો અને રાજકીય આગેવાનોને હેરાન પરેશાન કરવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે. કથિત કૌભાંડની તપાસ છેલ્લા પંદર મહિનાથી ચાલું છે, હજુ સુધી કંઇજ મળ્યું નથી છતાં બીજા નેતાઓને તપાસ અને પુછ પરછ ના નામે ભાજપ સરકારના ઇશારે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે તેથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર વિપક્ષો અને રાજકીય આગેવાનો સાથે કિન્નાખોરી અને બદલાની ભાવના રાખે છે. મારું કહેવું છે કે, ભાજપ સરકાર રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર નિખાલસ, ન્યાયિક અને સમાનતાની ભાવના રાખી કામ (રાજનીતિ) કરે કારણ કે, સત્ય પરેશાન થાય છે, પરાજિત નહી. સત્યનો જય થશે. એમ આમ આદમી પાર્ટી પંચમહાલના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here