સાંસદ મનસુખ વસાવાના આદિજાતિ વિભાગના રાજ્ય સરકારના મંત્રીઓ સહીત આદિજાતિ મોર્ચાના પ્રમુખને જાતિ અંગેના દાખલા મામલે આડે હાથ લીધા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આદિજાતિ અંગે નો દાખલો જૂની પદ્ધતિ મુજબ આપવાના લેવાયેલા નિર્ણય નો સાંસદ મનસુખ વસાવા એ વિરોધ કર્યો

નિર્ણય લેતા પહેલા અન્ય આદીવાસી નેતા ઓ સંગઠનો સાથે ચર્ચા વિમર્શ કેમ ન કરાઇ ??

સાંસદ મનસુખભાઇ વસાવા આખાબોલા અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા સાંસદ છે , ભરુચની બેઠક પર સતત લોકસભાની ચૂંટણી જીતતા આવેલા ભાજપના સિનિયર અને વરિષ્ઠ નેતા હોય ને આદિવાસીઓના પ્રશ્નો સહિત પાર્ટીના પ્રશ્નો માટે સતત લડતા અને ન્યાય અપાવતા આવ્યા છે. સાંસદ મનસુખભાઈ વસાવા આજકાલ સોશિયલ મીડિયામા સૌથી વધારે ચર્ચિત રેહતા હોય છે.

પ્રજાના પ્રશ્નો મામલે વિકાસ ના મામલે અધિકારીઓ ની મનમાની મામલે સતત અવાજ ઉઠાવતા સાંસદે વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓને પત્રો લખી લેટર અનેકવાર લેટર બૉમ્બ ફોડયા છે. આજરોજ વધુ એક લેટર બૉમ્બ ધડાકો કરી સાંસદ મનસુખ વસાવા એ રાજ્ય સરકાર ના મંત્રી ઓ સહીત આદિજાતિ મોર્ચા ના પ્રમુખ ને આડેહાથ આદિજાતિ ઓ નાં દાખલાઓ મામલે લીધા હતા.

આદિવાસીઓને અપાતા ખોટા પ્રમાણપત્ર બાબતે મનસુખભાઈ વસાવા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને તેમણે રાજીનામુ આપવા સુધીની ચીમકી પણ આપી હતી. હવે આજે વધુ એક ટિપ્પણી કરી મનસુખભાઈ એ ધડાકો કર્યો છે. અને સોસીયલ મીડિયામા વાયરલ થયેલો તેમનો મૅસેજ ભારે ચર્ચા સ્પદ બન્યો છે.

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય અને તેની તરફેણ કરનારા ત્રણ આદિવાસી નેતા ઓ જેમાં ભાજપા આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેન ને આડે હાથ લીધા છે.

સાંસદ મનસુખ વસાવા એ સોશ્યલ મીડિયા માં જણાવ્યું છે કે આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદભાઇ વસાવા, આદિજાતિકલ્યાણ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે, દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી, દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકાર લોકોને દ્વાર ના જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા. આ ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે. આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઊંઘમાં છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે. તેથી હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો ?

આમ સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી ઓ નું પ્રતિનિધિત્વ કરતા પોતાનાજ પક્ષ ના નેતાઓ ને અન્ય આદીવાસી નેતા પણ છે તેમની સાથે કેમ વાતચીત ન કરાય તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here