શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો

ગોધરા(પંચમહાલ),ઇશહાક રાંટા

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના ગુજરાતી અનુસ્નાતક‌ વિભાગનો ઉદ્દઘાટન કાર્યક્રમ માનનીય કુલપતિશ્રી ડો.પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનપદે આશીર્વચન આપવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ પરમ પાઠક તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ભરત પંડયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ cisco webex ના માધ્યમથી ઓનલાઇન યોજાયો હતો. આરંભે ગુજરાતી અનુસ્નાતક વિભાગના કો-ઓર્ડિનેટર પ્રા. જે એન. શાસ્ત્રીએ સ્વાગત અને ભૂમિકા વક્તવ્ય રજૂ કર્યું હતું. મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ના આચાર્ય ડો. અશોક બારીયાએ ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. અતિથિ વિશેષ પદેથી બોલતા પ્રા. ડૉ પરમ પાઠકે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યયન અને અધ્યાપન માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા શુભકામનાઓ આપી હતી. એમ.એસ.યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. ભરત પંડયાએ આ વિસ્તારના વણખેડયા એવા આદિવાસી લોકસાહિત્ય પર વધુ અને વધુ સંશોધનો થાય અને એ રીતે વિભાગ સમગ્ર ગુજરાતમાં અલગ તરી આવે એવી અપેક્ષા સાથે શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી મા. વાઇસ ચાન્સેલર ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ વિભાગના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આશીર્વચન આપ્યા હતા. યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગ શરુ કરવા અંગે માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીએ સંપૂર્ણ હકારાત્મક તથા પ્રોત્સાહક વલણ દાખવી આપેલ મંજૂરીની વિગતો સાથે સરકારના આ હકારાત્મક અભિગમને બિરદાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડૉ રાજેશ વણકરે તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, મહેમાનો અને અધ્યક્ષશ્રીને વિભાગ વતી આભાર લાગણી વ્યક્ત કરી હતી.
ઉદઘાટન કાર્યક્રમ બાદ ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કો- ઓર્ડિનેટર જે.એન. શાસ્ત્રીએ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here