વિશ્વ આદિવાસી દિવસની પુર્વ સંધ્યાએ સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતિ ના દાખલાનો મુદ્દો ઊઠાવ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ મૌન કેમ ?

રબારી, ભરવાડ અને ચારણ સમાજ ના ચુંટાયેલા જન પ્રતિનિધિઓ દવારા રાજય અને કેન્દ્ર સરકાર ઉપર કરાતું દબાણ

સમગ્ર વિશ્વમાં 9 મી ઓગષ્ટ વિશ્રવ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની પુર્વ સંધ્યા એ સાંસદ મનસુખભાઈ વસાવા એ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો વાળા રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનો, તેઓના વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં ભારે દબાણ લાવી રહ્યા છે એની સામે આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ મૌન છે નો પ્રશ્ન ઉઠાવી આદિવાસીઓ ને મતમતાંતરો ભુલી બંધારણીય હકો માટે એક થવાની હાંકલ કરી છે.

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની ઉપસ્થિતિમાં 9 ઓગષ્ટ 2021 ના રોજ રાજપીપળા નજીક જીતનગર ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે તો બીજી બાજુ આદિવાસી સમાજ માટે સતત ચિંતિત અને કાર્યરત રહેતા સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્રો નો મુદ્દો ઊઠાવ્યો છે જે આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવે તો નવાઈ નહીં.!!

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને શિક્ષિત અને સંગઠિત બની સંઘર્ષ કરવાની સલાહ આપતા જણાવ્યું છે કે સમગ્ર આદિવાસી સમાજે સાચા અર્થમાં આદિવાસી દિવસ ઉજવવો હોઈ તો ડૉ.બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે.તે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીએ અને યોગ્ય પરિણામ હાંસલ કરવા માટે આદિવાસી સમાજે સંગઠિત થવું પડશે.
સાંસદ મનસુખ વસાવા ના જણાવ્યાનુસાર 1965 થી ગીર બરડા, આલેચમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ જાતિને જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદિવાસી ગણવામાં આવ્યા અને તેઓને આદિવાસીઓના તમામ લાભ મળતા થયા. સમયની સાથે વધુ લાભ લેવા માટે ખોટા આદિજાતિના પ્રમાણપત્રો નેતાઓના સહકારથી મેળવવા લાગ્યા અને આ ખોટા પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓમાં, મેડિકલ કોલેજોમાં તથા એન્જિનિયરિંગ કોલેજોમાં હજારોની સંખ્યામાં એસ.ટી. કોટાના લાભ આ ખોટા પ્રમાણપત્રો વાળા લેવા લાગ્યા. તેના કારણે સાચા આદિવાસીઓ આવી અનેક સમસ્યાઓના કારણે આજે શિક્ષણ ક્ષેત્રે પાછળ છે અને મેરીટમાં પણ રબારી, ભરવાડ અને ચારણ સમાજ કરતા સાચા આદિવાસીઓનું મેરીટ ખૂબ નીચુ આવે છે, જેના કારણે એસ.ટી. કોટાનો લાભ ખોટા લોકો મેળવી રહ્યા છે.તેથી સાચા આદિવાસીઓ તથા શિક્ષિત બેરોજગારોની સાથે ભયંકર અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી આદિવાસી સંગઠનોની રજૂઆત અને લડતના કારણે રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો રદ કરવાનું વિધાનસભામાં બીલ પસાર કરી, તે પ્રકારનો કાયદો બનાવ્યો છે. તેમાં નિવૃત ન્યાયાધીશ તથા ઉચ્ચ અધિકારીઓની ટીમે સમગ્ર મામલાની તપાસ કરી સદર અહેવાલને ભારત સરકારમાં મોકલવામાં આવ્યો છે.

તેની સામે ખોટા પ્રમાણપત્રો વાળા રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનો, તેઓના વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં ભારે દબાણ લાવી રહ્યા છે અને સંમેલનો અને ગ્રુપ મિટિંગો કરવાનું ચાલુ કરી દીધું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકાર ઉપર એક પ્રકારે તરાપ મારી રહ્યા છે.રબારી, ભરવાડ તથા ચારણ સમાજ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ અને જાગૃત સમાજ છે, સંગઠિત છે અને રાજકીય આગેવાનો તેઓને ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે અને આપણા આદિવાસી સમાજના આગેવાનો, જન પ્રતિનિધિઓ તથા આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ આજે પણ મૌન છે? પોતાના સમાજ ને પણ સાસદ મનસુખભાઈ વસાવા એ લપેટા મા લીધો છે અને બંધારણીય અધિકારો જે આદિજાતિઓને મળેલા છે તેના માટે પરસ્પર ના મતભેદ ભુલી સમાજ ને અધિકારો ના રક્ષણ માટે આગળ આવવા ની હાંકલ કરી છે.

આગામી દિવસોમાં સાંસદ મનસુખભાઈ વસાવા ના સ્ટેટમેન્ટ ની શુ અસર પડે છે એ આગામી દિવસોમાં જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here