બોડેલી ખાતે મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની અધ્યક્ષતામા નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયમાં શરૂ કરેલા ખેલ મહાકુંભની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાત આજે રમત ગમતના ક્ષેત્રમાં મહાસત્તા બની રહ્યું છે એમ, રાજયના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું હતું.
બોડેલી ખાતે આવેલી શેઠ ટી.સી. કાપડિયા કૉલેજમાં યોજાયેલા ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજ્ય સરકાર દ્વારા રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ માટે વિકસાવવામાં આવેલી સુવિધાઓ અંગે વિગતે ખ્યાલ આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે ૨૩૯ ઈન સ્કૂલ પ્રોગ્રામ, રાજ્યના ૨૧ જિલ્લામાં જિલ્લા કક્ષાની રમત શાળાઓ શરૂ કરવામાં આવી છે અને બાકીના જિલ્લાઓમાં પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે ૧૨૦ નવી ઈન સ્કૂલ શરૂ કરવામાં આવશે એમ જણાવી રાજ્યમાં ચાલુ વર્ષે યોજાયેલા ખેલમહાકુંભ સ્પર્ધામાં ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લઇ વિક્રમ સર્જ્યો છે એમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત રમત ગમતમાં મોખરે છે એમ કહી આગામી તા. ૨૯મી, સપ્ટેમ્બરથી ૧૨મી, ઓક્ટોબર દરમિયાન યોજાનારી નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી સાત હજાર ખેલાડીઓ ભાગ લેશે એમ કહી તેમણે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ સાથે રમત ગમતના ક્ષેત્રમાં પણ આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે નેશનલ ગેમ્સમાં પસંદગી પામેલા જિલ્લાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સરકાર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરી સરકારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેલી પ્રતિભાઓને ઊજાગર કરવાનું કામ ખેલ મહાકુંભના માધ્યમથી કર્યું છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ૩૬મી નેશનલ ગેમ્સમાં પસંદગી પામેલા જિલ્લાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ખેલ મહાકુંભમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ શાળાઓને રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલ ગેમ્સ પસંદગી પામેલા ખેલાડીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં મેડલ વિજેતા ખેલાડીઓને પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજયમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે લીલીઝંડી બતાવી રમતોનો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલી પ્રાંત અધિકારી મૈત્રીદેવી સિસોદિયાએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આભારવિધિ જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણ, અધિક નિવાસી કલેકટર આર. કે. ભગોરા, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન, પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચૌધરી, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને સંબધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here