વિધાનસભા ગૃહના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બે સભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ અપાયો

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

આ એવોર્ડ શ્રેષ્ઠ ધારાસભ્યની સાથે સાથે વિધાનસભા ગૃહનું પણ સન્માન છે આ નવી પ્રણાલી સંસદીય લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવી ધારાસભ્યોશ્રીઓને વધુ સારા કામો કરવાની પ્રેરણા આપશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ૨૦૧૯ વર્ષ માટે શ્રી મોહનસિંહ રાઠવા અને ૨૦૨૦ના વર્ષ માટે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બેસ્ટ પાર્લામેન્ટ્રીયન એવોર્ડથી સન્માનિત

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા એવોર્ડ વિજેતા ધારાસભ્યશ્રીઓના નામની જાહેરાત કરાઇ

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, વિરોધ પક્ષના નેતાશ્રી અને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતમાં એવોર્ડ સમારોહ સંપન્ન

આ એવોર્ડ શ્રેષ્ઠ ધારાસભ્યની સાથે સાથે વિધાનસભા ગૃહનું પણ સન્માન છે. આ એવોર્ડ આપવાની નવી પ્રણાલી સંસદીય લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવી ધારાસભ્યોશ્રીઓને વધુ સારા કામો કરવાની પ્રેરણા આપશે. શ્રેષ્ઠ ધારાસભ્ય બનાવા માટે ગૃહમાં શ્રેષ્ઠ શ્રોતા એટલે કે બેસ્ટ લીસનર બનવું ખૂબ જરૂરી છે. જે શાંતિથી બધાને સાંભળે છે તેને બોલવાનો ચોક્કસ અધિકાર છે તેમ આજે વિધાનસભા ગૃહના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બે સભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ એનાયત પ્રસંગે ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને સંસદીય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં વિજેતા ધારાસભ્યશ્રીઓને ટ્રોફી-એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા એવોર્ડ વિજેતા ધારાસભ્યશ્રીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૧૯ માટે પ્રથમવાર બેસ્ટ પાર્લામેન્ટ્રીયન એવોર્ડ વિજેતા શ્રી મોહનસિંહ રાઠવા અને વર્ષ ૨૦૨૦ માટે એવોર્ડ વિજેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. આ નવી પ્રણાલી વિધાનસભા ગૃહમાં લોકશાહીના શ્રેષ્ઠ મૂલ્યો જાળવવા, પ્રજાના પ્રશ્નો રજૂ કરવા અને તેની ઉપરની ચર્ચામાં નવું બળ આપશે. તેમણે શ્રેષ્ઠ ધારાસભ્યશ્રીના એવોર્ડ પસંદગી માટેના ૧ થી ૧૯ માપદંડનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ગૃહમાં ધારાસભ્યશ્રીનું આચરણ, ગૃહની ગરિમા, ગૃહની કાર્યવાહીમાં સુચારું સહયોગ, નિયમિત હાજરી જેવા માપદંડો શ્રેષ્ઠ ધારાસભ્યશ્રી માટે નક્કી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ સાંસદ-ધારાસભ્ય બનવા માટે ગૃહમાં ૧૦૦ ટકા હાજરી જરૂરી છે આપણી હાજરીથી દેશ અને રાજ્યના વિકાસ માટે ચાલતી ચર્ચામાં આપણે સહભાગી થઈ શકીએ છીએ, જે સભ્ય શાંતિથી ચર્ચા સાંભળે છે તેને બોલવાનો પણ અધિકાર છે. આ નવી પ્રણાલીમાંથી આપણને શ્રેષ્ઠ ધારાસભ્ય બનવાની પ્રેરણા મળશે અને સંસદની પ્રણાલીઓને વધુ ઉજ્જવળ બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું કે, વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના કેન્દ્રો છે તેને લોકશાહીના મંદિર કહેવાયા છે ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન, વિચાર, વાણી, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવી હોવી જોઈએ કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને.
મુખ્યમંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, આપણા લાડીલા બાપુ તરીકે ઓળખાતા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અજાતશત્રુ છે આપણે સૌએ તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા ધારાસભ્યોને શુભેચ્છાઓ આપીને આવનાર સમયમાં તમામ સભ્યોશ્રી આ એવોર્ડ માટે પસંદગી પામે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવીન પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષશ્રીને અભિનંદન આપ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષશ્રી જણાવ્યું હતું કે, ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ ૨૩ સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરતા શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે. અધ્યક્ષશ્રીએ બંને વિજેતા શ્રેષ્ઠ ધારાસભ્યશ્રીઓના સામાજિક અને રાજકીય જાહેરજીવનનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની તા. ૨૮/૨/૨૦ ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ૯૨.૫ ટકા શુદ્ધતા સાથે ૧.૫ કિલોની ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સ્વરૂપે ટ્રોફી-એવોર્ડ એનાયત કરીને શ્રેષ્ઠ ધારાસભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઐતિહાસિક દિવસો પૈકીનો આ એક દિવસ છે, વર્ષ ૧૯૬૦થી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ પ્રથમવાર આ પ્રણાલીનો પ્રારંભ થયો છે. આ નવીન પ્રણાલી ધારાસભ્યશ્રીઓને વધુ સારુ કામ કરવાની, વિધાનસભા ગૃહની પ્રણાલીને અનુરૂપ ચર્ચા અને પ્રશ્નોમાં ભાગ લેવાની પ્રેરણા આપશે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી પામેલ ધારાસભ્યશ્રીઓને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા.
શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી પામેલ શ્રી મોહનસિંહ રાઠવા અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહનો આભાર માનીને આ એવોર્ડ માટે પસંદગી થવાથી લોકોની સેવા કરવાની વધુ તક અને પ્રેરણા મળશે તેમ ગૃહમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here