રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર એકતાનગર ખાતે આરોગ્ય વન- સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર સાહેબને ભાવ પૂર્વક વંદન કરી લેસર શો નજરે નિહાળી ભાવ વિભોર બન્યા નર્મદા મહાઆરતીમાં સહભાગી બન્યા

સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી સરદાર સાહેબના જીવન કવન અને ઐતિહાસિક ઘટનાઓનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન થીમને નજરે નિહાળી માં નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી ભાવ પૂર્વક આરતીમાં સામાન્ય માનવીની જેમ પરિવાર સાથે સામેલ થયા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આરોગ્યવનની વિઝીટ બુકમાં અભિપ્રાય ટાંકતા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના કાર્યોને બિરદાવ્યા

ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર (આઈ.એ.એસ.) નર્મદા જિલ્લાના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે પરિવાર સાથે એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાના નિર્માણ કાર્યથી સાકાર થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી ભાવ વિભોર બન્યા હતા.

ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર (આઈ.એ.એસ.) નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચતા એકતાનગર સ્થિત વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વહિવટી તંત્ર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ પ્રોટોકોલ વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્ય સચિવ રાજ કુમાર સાથે ધર્મપત્ની શ્રીમતી શર્મિલીબેન તથા તેમના ચિરંજીવી હર્ષભાઈ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આરોગ્ય વનની મુલાકાતે પહોચેંલા મુખ્યસચિવશ્રીનું ઈન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડૉ. રામ રતન નાલાએ સ્વાગત કર્યુ હતું. એકતાનગર ખાતે વન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલા આરોગ્ય વનની ગોલ્ફ કાર્ટમાં મુલાકાત કરી હતી. ગાઈડ દ્વારા ડ્રાઇવિંગ કરીને વિવિધ પ્રકલ્પો, આરોગ્ય વનના ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, લોટસ પોઇન્ટ, મેડિસિન પ્લાન્ટ, હર્બલ પ્લાન્ટ, યોગ બોર્ડ સહિત વિવિધ ફૂલો, ઔષધિય છોડ તેમજ વૃક્ષો અને વનસ્પતિનું નિરીક્ષણ કર્યું હતું. આ આરોગ્ય વનમાં ૩૯૦ પ્રકારના વિવિધ છોડ અને ૪૦૦ લીમડાના ઝાડ સહિત અસંખ્ય લીલાછમ વૃક્ષોને જોઈને તેઓશ્રી ખૂબ પ્રભાવિત થયા હતા. થીમ આધારિત બાગ બગીચાનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

આરોગ્ય વનમાં સંપૂર્ણ મહિલા મંડળ દ્વારા સંચાલિત કેન્ટિનમાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલું લાલ ભીંડીના શરબતનું રસપાન કર્યું હતું. મુખ્યસચિવ એ અભિપ્રાય બુકમાં નોંધ કરતા લખ્યું હતું કે, કુદરતની જોડે નજીક રહેવા માટે આ એક ઉત્તમ રસ્તો છે, ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડો. રામ રતન નાલા દ્વારા મુલાકાત બદલ ફૂલની છાબડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને યાદગીરી રૂપે સમૂહ તસવીર આરોગ્યવનના પ્રવેશદ્વાર પર પડાવી હતી. ગાઈડ દ્વારા આરોગ્યવન અંગે આપવામાં આવેલી માહિતી અને ગાઈડ કરવા બદલ સરાહના કરી હતી.

દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશિતાથી નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર તેમની મુલાકાતના પ્રથમ દિવસે આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સહિત ઉપસ્થિત ગાઇડ મયુર રાઉલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબના જીવનની ઝાંખી મુખ્ય સચિવ એ રસપૂર્વક નિહાળી હતી. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલી મૂર્તિની ભવ્યતાનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો. મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો મેળવી અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાની પ્રદક્ષિણા કરી સેલ્ફી અને તસવીર લઈને ધન્યતા અનુભવી અને અખંડ રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી.

મુખ્ય સચિવ રાજકુમારે મુલાકાતપોથીમાં પોતાના પ્રતિભાવમાં લોખંડી પુરૂષ અને ભારતને એકીકૃત કરનાર સરદાર સાહેબની અપ્રતિમ ઐતિહાસિક સિદ્ધિઓ અને દેશ માટે આપેલા બલિદાનને યાદ કર્યા હતા. સાથે રાષ્ટ્રીય તીર્થ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાની મુલાકાત લેવા અને સરદાર સાહેબના જીવનના આદર્શોથી પ્રેરિત થવા આહવાન કર્યુ છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા સરદાર સાહેબની પ્રતિમા અર્પણ કરી હતી. જ્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ મુખ્ય સચિવ ની સરદાર સાહેબના સાનિધ્યમાં પ્રવેશ દ્વાર ખાતેની પ્રથમ તસવીરની ફોટોફ્રેમ યાદગીરી રૂપે અર્પણ કરવામાં આવી હતી.

મુખ્ય સચિવ રાજકુમાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેસર શો નિહાળી રાષ્ટ્રગાન કરી ગોરા ઘાટ ખાતે યોજાતી રોજિંદી માં નર્મદા મૈયાની આરતીમાં સામેલ થયા હતા. જ્યાં તેમણે નર્મદા માતાની પૂજા–અર્ચના કરી હતી અને પુજારી દ્વારા મંત્રોચ્ચાર અને શ્લોક દ્વારા નર્મદા મૈયાની અર્ચના કરી હતી. નર્મદા મહા આરતીમાં સામાન્ય જનતાની વચ્ચે સહભાગી થયા હતા. આ મહા આરતીમાં શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથે આરતીમાં સામેલ થઈ ગુજરાતની જનતાના કલ્યાણ માટે મનોકામના કરી હતી અને ભાવ પૂર્વક માં નર્મદાની આરતી અને પ્રસાદ લીધો હતો. નર્મદા નદીમાં ખાસ વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો જોઈને ધન્યતા અનુભવી હતી. અને ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ પાસેથી જરૂરી વિગતો અને માહિતી મેળવી જરૂરી સૂચન કર્યું હતું.

મુખ્ય સચિવ ની એકતાનગરની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઈન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, SoUADTGAના નાયબ કલેક્ટર સર્વ મયુર શુક્લા અને શિવમ બારિયા, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ પોલીસ અધિક્ષક સર્વ જયવીરસિંહ ઝાલા અને સુશ્રી વાણી દૂધાત, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here