રાજય સરકાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ અને પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુરને સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજય સરકાર દ્વારા અમારા જબુગામને સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સ્માર્ટ વિલેજ તરીકે પસંદ થયેલા અમારા ગામને સરકાર દ્વારા રૂપિયા લાખની રકમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે. અમારા ગામમાં અવાર-નવાર ચોરીના બનાવ બનતા હોવાથી અમે પુરસ્કારની રકમમાંથી ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરીશું એમ જબુગામના સરપંચ શ્રીમતિ શીતલબેન બારીયાએ જણાવ્યું હતું.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં તાલુકાદીઠ એક સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે રાજયના ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં સામેલ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતદીઠ રૂપિયા પાંચ લાખની રકમ પુરસ્કારરૂપે આપવામાં આવશે. આ રકમ ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે.
રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા ૧૬ જિલ્લાના ૩૫ ગામો પૈકી છોટાઉદેપુર જિલ્લાના બે
ગામોને સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં બોડેલી તાલુકાનું જબુગામ અને
પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રૂર્બન યોજના અમલમાં મુકી હતી રૂર્બન યોજનાની તર્જ પર જ ગામડાઓને શહેરી સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે આ સ્માર્ટ વિલેજ યોજના અમલમાં મુકવામાં આવી છે. જબુગામના સરપંચ શ્રીમતિ શીતલબેન બારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે અમારા ગામને સ્માર્ટ વિલે તરીકે પસંદ કર્યુ છે જે આનંદની વાત છે. અમારૂ ગામ બોડેલી છોટાઉદેપુર સ્ટેટ હાઇ-વે પર વસેલું ગામ છે. અમારા ગામ થઇને જ વડદોરા-છોટાઉદેપુર રેલ્વે લાઇન પણ પસાર થાય છે. અમારા ગામને સ્ટેશન પણ આપવામાં આવ્યું છે.
વિકાસની વાત કરીએ તો અમારા ગામમાં સો ટકા સીસી રોડ છે. ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવે છે. અમારૂં ગામ જાહેરમાં શૌચમુકત ગામ છે. આમારા ગામમાં સરકારી દવાખાનું પણ આવેલું છે. ગામમાં પંચવટી ઉદ્યાન પણ આવેલું છે. તેમજ ઘરે ઘરે નળ કનેકશનથી પાણી આપવામાં આવે છે.
અમારી ગ્રામ પંચાયત ઓફિસ ઇન્ટર્નેટ કનેકશનથી સજજ છે. ઓનલાઇનની તમામ સવિધાઓ પણ ઉપલબ્ધ છે. સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત મારા ગામને જે પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થવાની છે
એ રકમનો અમે ગામના વિકાસ માટે ઉપયોગ કરીશું. વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા ગામમાં અવાર નવાર ચોરીઓના બનાવ બનતા હોવાથી પુરસ્કારની રકમનો ઉપયોગ ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ માટે સ્પીકરની સગવડ પણ કરીશું એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here