મોડાસા : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અરવલ્લીમાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ’ બનશે : રાજ્યપાલશ્રી

રાજ્યપાલશ્રી*
*ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે*
*રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનના ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે*
*પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે*
*દરેક ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક ખેતીપેદાશોને વેચવા માર્કેટ તૈયાર કરવામાં આવશે*
*રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઈનર તૈયાર કરવામાં આવી રહ્યા છે

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાકૃતિક કૃષિ – ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે, પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે.

રાસાયણિક ખેતીથી જમીનના ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટી છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. એટલું જ નહીં ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય માત્રામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઈનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.

રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.

ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થે પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં ત્રણ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા, જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટ નિયામકશ્રી , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here