ભારતભરમાં કારતક સુદ પૂર્ણિમાના દિવસથી ચાતુર્માસ પૂર્ણ થતા સાધુ-સાઘ્વીજીનો વિહાર શરૂ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

રવિવારે ચોમાસી ચૌદશ હતી.એટલે કે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે અને સોમવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે.એટલે કે જ ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે અને ચાતુર્માસની પૂર્ણાહુતિ મંગળવારે થશે.
અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ રવિવારે કારતક સુદ ચૌદશના ‘સામૂહિક દેવવંદન’ અને ‘ચૌમાસી ચૌદશ’ના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે,એમ કહી રાજસ્થાન ના મીરપુર પ્રાચિન તીર્થ ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા. કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબ એ જણાવ્યું કે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે.જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન’ કહેવામાં આવે છે,જે દિવસ સોમવારે છે.આ કારતક સુદ પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે.કેમ કે ચાતુર્માસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞ જૈનાચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજી નો જન્મ દિવસ.આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે.
તેમણે જણાવ્યું કે ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે.જેનો પ્રારંભ પૂનમનાં દિવસથી શરૂ થશે.જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.જેને શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા’ પણ કહેવાય છે.આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે.એવું પણ કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લજી ૧૦ કરોડ મુનિઓ મોક્ષ પદને પામ્યા છે.એટલું જ નહીં,આ તીર્થ પરથી અનેક અનંત આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે.આ તીર્થની સ્પર્શના અને યાત્રા પણ કર્મનિર્જરામાં સહાયક બને છે.આ ભૂમિ એ એવી વિશિષ્ટ ભૂમિ છે કે તીર્થંકર પરમાત્માઓનું આ સાધના સ્થાન છે. આવા સ્થાનમાં માત્ર ગુજરાત જ નહીં,દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારતાં હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here