બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઇવે 56 ભારજ નદી પરનો સિહોદ પુલ છેલ્લા કેટલાય સમયથી “વર્ક ઈન પ્રોગ્રેસ” માટે બંધ… કામ ક્યારે પૂર્ણ થસે…!!

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી છોટાઉદેપુરનો N H ,56 હાઈવે પર ભારજ નદી પરના સિહોદ પુલમા વચ્ચેના એક પીલરનું સેટલમેન્ટ થતાં આ બ્રિજ વાહન વ્યવહારને લાયક ન હોવાથી બંધ કરી ડાયવર્ઝન આપ્યા ને એક મહિના ઉપરાંત સમય થઈ ગયો છે. આ બ્રિજ વાહન વ્યવહારને લાયક છે કે કેમ? તે અંગે હજી સુધી તંત્ર તરફથી કોઈ અહેવાલ રજૂ કરાયો નથી. પુલના વચ્ચેના પીલરમાં પ્રારંભે 20 એમ.એમ. નું સેટલમેન્ટ થયેલું હતું. આજે રૂબરૂ બ્રિજ સાઇટ પર મુલાકાત દરમિયાન હાજર એન્જિનિયરો એ જણાવ્યું હતું કે, 220 mm જેટલું સેટલમેન્ટ થયું છે. 10 ઇંચ જેટલો પીલર બેસી ગયો હોય પુલ પર વાહન વ્યવહાર શરૂ થઈ શકે તેમ નથી તે નિશ્ચિત છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સેટલમેન્ટની માત્રા 10 mm જેટલી વધી છે. તે જોતા પીલર બેસી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોડ ટેસ્ટ માટે બ્રિજ નીચે ડેક બીમ પર સફેદ પટ્ટા મારી પ્લાસ્ટિકની ચોરસ બ્લેક પ્લેટ ચોંટાડી લેસર બીમ વડે નિયમિત ટેસ્ટ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ બ્રિજ સતત બેસી રહ્યો હોય તેની સલામતી અંગે હવે ક્યારે પ્રયત્નો કરાશે તે અંગે જિલ્લા વાસીઓ ચાતક નજરે વહીવટી તંત્ર સામે આતુરતાથી જોઈ રહ્યા છે.
સિહોદના બ્રિજ ખામી હોવાને કારણે બોડેલીથી જેતપુરપાવી જતા વાહનોને મોડાસર ચોકડી, રંગલી ચોકડી થઈને ડાયવર્ઝન આપવામાં આવેલું છે. આ ડાયવર્ઝનથી એક તરફ ની દિશામાં 11 કિલોમીટર અંતર વધે છે. હવે આ ડાયવર્ઝનનો સમગ્ર માર્ગ પણ ભૂકો બોલી ગયો છે. એનએચ 56 પરના વાહનો ગ્રામીણ માર્ગ પરથી દોડતા થતા માર્ગ કચ્ચરઘાણ થઈ રહ્યો છે. કોંગ્રેસે આ બ્રિજને લગત આંદોલન કર્યું હતું. ધરપકડો વહોરી હતી. જોકે આ બ્રિજ હવે ક્યારે શરૂ થશે? તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. બ્રિજ સલામત નથી તે બાબત સામે આવી રહી છે.
કન્સ્ટ્રકશન અને ડિઝાઇન વિભાગના અમદાવાદના અધિકારીઓએ હજી સુધી કોઈ અહેવાલ આપેલો નથી તે બાબતને પુલની સલામતી થઈ જવાની છે તેની સાથે કોઈ અનુસંધાન જણાતું નથી. પરંતુ મંથર વહીવટી કામગીરી સાથે ઉશ્કેરાયેલા જિલ્લા વાસીઓને આશ્વાસન આપવા ગતકડા કરતાં વિધાનો કરાતા હોય એમ લોકોને લાગી રહ્યું છે.
ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, અભેસિંહ તડવીએ ગાંધીનગર ખાતે બાંધકામ સેક્રેટરી અને ચીફ એન્જી.ને રૂબરૂ રજુઆત કરી

છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ ગાંધીનગર NHAI ના ચીફ એન્જી.એ.સી.પટેલ સાથે આજે બેઠક કરી હતી.સિહોદ બ્રિજ અંગે તેઓએ સવિસ્તર ચર્ચા કરી હતી. છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશદ્વાર ગણાતો જિલ્લાને મધ્યમાંથી ચીરીને નીકળતો આ હાઇવે સિહોદ બ્રિજને લીધે બંધ થવાથી બ્રિજને સલામત કરવા અથવા વિકલ્પ રૂપે નજીકમાં ડાયવરઝન આપવાની ગતિવિધિ સંદર્ભે તેઓએ ચીફ એન્જી. સાથે ચર્ચા કરી હતી.ધારાસભ્યો રાજુભાઇ અને અભેસિંહ તડવીએ બાંધકામ વિભાગના સેક્રેટરી એ.કે.પટેલ સાથે બેઠક કરી પુલ અંગે ચર્ચા કરી પુલ સલામત બનાવી ઝડપથી પુલ પર વાહન વ્યવહાર શરૂ કરવા પ્રયાસો હાથ ધરવા રજુઆત કરી હતી.વડા અધિકારીઓએ આશ્વાસન લોડ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું કહ્યું હતું.ડાયવરઝન અંગે અધિકારીઓએ પુલને લગોલગ કોઝ વે ન બનાવી શકાય તેમ કહેતા રાજેન્દ્ર રાઠવાએ શિથોલ પાસેના રનિંગ સ્થાનિક યુવાનો દ્વારા નિર્મિત ડાયવર્ઝન સ્થળે પાકો માર્ગ બનાવવા રજૂઆત કરી હતી.ધારાસભ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવાના હતા પરંતુ તેઓ ગાંધીનગર ન હોય વિભાગના સેક્રેટરી, ચીફ એન્જી.ને મળ્યા હતા.તેમ ટેલીફોનીક વાતચીતમાં રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here