પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની દિર્ઘદ્રષ્ટીને કારણે જ એકતાનગરનો સૌથી ઓછા સમયમા પ્રવાસનધામ તરીકે વિકાસ થયો છે – કેન્દ્રિય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્ર સરકારના રેલ્વે અને કાપડ મંત્રાલયમાં રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી

એકતાનગરમાં પ્રવાસનના વિકાસ માટે રેલ્વેની સકારાત્મક ભુમિકા રહેશે ની વાત કરતા કેન્દ્રિય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ

કેન્દ્રીય રેલ્વે અને કાપડ મંત્રાલયમાં રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેની અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના અદભૂત દર્શન સહિત તમામ પ્રોજેક્ટસની મુલાકાત યાદગાર સાબિત થઈ હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા શ્રીમતી દર્શનાબેન જરદોશે સરદાર સાહેબની અદભૂત, અવિશ્વસનિય, અકલ્પનીય અતિ વિરાટ પ્રતિમાને પહેલી નજરે જોતા ભવ્યતાનો અનુભવ કર્યો હતો.શ્રીમતી જરદોશે પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા. ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપૂડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા ક્રુઝની સફર થકી અદભુત નજારો માણ્યો હતો. તેઓ ની આ ખાસ મુલાકાત વેળાએ ગાઈડમિત્ર ઝુબિનભાઈ ગમીર અને જનસંપર્ક અધિકારી રાહુલભાઈ પટેલ જોડાયા હતા.

આ પ્રવાસ દરમિયાન વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતા આરોગ્ય વનની તેઓ ની મુલાકાત પણ ખાસ રહી હતી. જ્યાં ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડનની મુલાકાત લઈ અભિભૂત થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સાંજની વેળાએ પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર લેસર શોમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી દર્શનાબેન જરદોશે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલા સરદાર સાહેબના જીવનકવન અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેસર શોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

શ્રીમતી જરદોશે જંગલ સફારી, સરદાર સરોવર ડેમ, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. મંત્રી જરદોશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપે છે. દેશને એક તાંતણે જોડનાર સરદાર વલ્લભભાઇ પટેલને પ્રતિમાના નિર્માણ થકી ઉચિત શ્રધાંજલી ભારત દેશે આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી સરદાર સાહેબના જીવન વિશે ઘણુ જાણવા મળે છે.આપણે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી તરફથી પ્રતિમાનું નિર્માણ એક મોટી ભેટ છે, સાથે જ નવી પેઢીને અનોખી જાણકારી મળે અને નવા ભારતનું નિર્માણ થાય તે પ્રકારના પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

નર્મદા જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટ્સની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી., સાથે જ એકતાનગરમાં પ્રવાસનના વિકાસ માટે રેલ્વેની ભુમિકા પર સફળ ગહન ચર્ચા પણ માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સાથે થઇ હતી. માનનીય મંત્રી દર્શનાબેને પણ એકતાનગરમાં પ્રવાસનના વિકાસમાં રેલ્વે મંત્રાલય તરફથી સહકારની ખાત્રી આપી હતી.

મંત્રી ની મુલાકાત દરમ્યાન નાયબ કલેક્ટર સર્વ શિવમ બારીયા,ઉમેશ શુકલ, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here