પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : તા-19 એપ્રિલથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઑપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તા.19.04.2024 ને શુક્રવારના સવારે 07:00 વાગ્યાથી તા.01.06.2024 ને શનિવારના સાંજના 06:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને 02 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here