પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

હાલોલ,(પંચમહાલ)
ઇમરાન ખાન

પંચમહાલ જિલ્લામાં 18,240 કુંટુંબોના 92,377 વ્યક્તિઓને એન.એફ.એસ.એ. અંતર્ગત આવરી લેવાયા

ગોધરા, શહેરા અને મોરવા હડફ ખાતે પણ અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્‍ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના 101 તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં લાભાર્થીઓને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ નિમિત્તે ગોધરા, શહેરા અને મોરવા (હ) ખાતે પણ લાભાર્થીઓના અભિવાદન કાર્યક્રમો યોજાયા હતા. હાલોલ ખાતેના કાર્યક્રમને સંબોધતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી કોઈ પણ નાગરિક ભૂખ્યો ન સુવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ગુજરાતના 10 લાખ પરિવારના 50 લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા સઘન આયોજન કર્યુ છે. હવે લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે બીજા રાજ્યમાં હોય તો પણ અનાજ વિતરણનો લાભ મળી શકશે.

કોરોના સંક્રમણથી લોકોને બચાવવા લોકડાઉન લાગુ કરવું પડ્યું ત્યારે ધંધા-ઉદ્યોગો બંધ હોવા છતા કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે અન્ન વગર ન રહે તેવા સંવેદનશીલ અભિગમ સાથે સરકારે વિનામૂલ્યે અનાજનું વિતરણ કર્યું હતું અને તેમાં જરૂરતમંદ એવા તમામ વર્ગોને સમાવી લીધા હતા. સરકારના આવા સંવેદનશીલ અભિગમ અને અસરકારક કામગીરીના પરિણામે જ કોરોના આપણને ઝાઝું નુકસાન પહોંચાડી શક્યો નથી. જરૂરિયાતમંદ વર્ગોની જરૂરિયાતો સ્વમાનભેર સંતોષાય તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ જ નિમિત્તે ગોધરા ખાતેના કાર્યક્રમમાં બોલતા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે દરેક નાગરિકને પૂરતું અન્ન મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર સતત ચિંતિત અને પ્રયાસશીલ રહી છે અને તે જ દિશામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત રાજ્યના 10 લાખથી વધુ અને જિલ્લાના 18 હજારથી વધુ રેશનકાર્ડ પર વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ આપવામાં આવ્યો છે. કોરોનાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પારખી આઠ મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા સમયમાં જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકો સુધી અન્ન પહોંચાડવાની કામગીરી કરી નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતજનોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિમિત્તે કરેલા વિડીયો સંબોધનને નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવા લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.મોરવા (હ)માં પૂર્વ ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર તેમજ શહેરામાં અગ્રણીશ્રી જીગ્નેશભાઈ પાઠકની ઉપસ્થિતિમાં આ જ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આ પસંગે કોવિડ-19 દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યુ હતુ.
ગોધરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.બી. રાજપૂત, મામલતદારશ્રી વિજય આંટિયા સહિતના અધિકારીઓ તેમજ આ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના 2590 આઉટસોર્સિંગ કર્મચારી પરિવાર પણ એનએફએસએ અંતર્ગત લાભાર્થી બન્યા

પંચમહાલ જિલ્લામાં પણ અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરાયેલ અભિયાન દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓની શ્રેણીમાં 3137 કાર્ડ, વિધવા પેન્શન મેળવતી બહેનોને 886, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓને 4093, બાંધકામ શ્રમિકોના 1267 તેમજ અન્ય કેટેગરીના 6267 રેશનકાર્ડને અન્ન સલામતી કાયદા અંતર્ગત આવરી લઈ લાભો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા હાથ ધરાયેલ વિશેષ ડ્રાઈવમાં જિલ્લાની કચેરીઓમાં કાર્યરત 2590 આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ એનએફએસએ અંતર્ગત સમાવાયા છે. આમ કુલ મળીને 18,240 રેશનકાર્ડ ધારક પરિવારોના 92,377 વ્યક્તિઓએ આ યોજનાના લાભાર્થી બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here