પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એચઆઈવી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

એચઆઈવી સંક્રમિતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા કલેક્ટરશ્રીની અપીલ

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને GSRTCના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની એસટી વર્ક શોપ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિતજનોને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે એચઆઈવી સંક્રમણ થવાના કારણો અને બચાવ માટે રાખવાની થતી સાવધાનીઓ અંગેની સાચી માહિતી જનસામાન્ય સુધી પહોંચે તે એચઆઈવીના ફેલાવાને રોકવાની દિશામાં સૌથી વધુ અસરકારક રહેશે. આ ઉપરાંત, સમાજમાં એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓ અને એઈડ્સ પીડિત વ્યક્તિઓ માટે જે સામાન્ય ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, સમાજમાં ઘણીવાર તેમની સાથે જાણ્યે-અજાણ્યે ભેદભાવભર્યું વર્તન થાય છે તે દૂર કરવાની દિશામાં પણ કામગીરી કરવાની તાતી જરૂર છે. ઘણા કિસ્સામાં આ સંક્રમણના પરિણામે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્યને થયેલ હાનિની સરખામણીએ આસપાસના લોકોના વર્તનથી માનસિક સ્વાસ્થ્ય અને નૈતિક હિંમતને થયેલ નુકસાન વધુ હોય છે, જે બાબતમાં આપણે સૌએ સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. એઈડ્સની ઉત્તમ સારવાર ઉપલબ્ધ થઈ છે ત્યારે પીડિત વ્યક્તિઓને લાગણીભરી મદદ અને હૂંફ તેમના પુનઃસ્થાપનમાં તેમજ બાકીનું જીવન સારી રીતે વ્યતીત કરવામાં અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. એચઆઈવી અને એઈડ્સ વિશે હજી પણ સમાજમાં મોટા પાયે ગેરસમજણ પ્રવર્તે છે ત્યારે આ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો સાચી માહિતી પ્રસરાવવા ઉપયોગી બની શકે તેમ જણાવતા તેમણે એસટી વિભાગને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. એચઆઈવીના ધાતક સંક્રમણથી સુરક્ષિત રહેવા બચાવના પગલાઓનું ચુસ્ત પાલન જ એકમાત્ર ઉપાય છે અને તેથી આ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો મોટાપાયે નિરંતર રીતે થાય તે સમયની જરૂરિયાત છે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ ઉમેર્યું હતું.
સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટીના એડિશનલ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલે જણાવ્યું હતું કે સંપૂર્ણ અને સાચી જાણકારી એચ.આઈ.વી. સંક્રમણને રોકવા માટેની સામાજિક વેક્સિન છે. આ સંક્રમણ કઈ રીતે ફેલાય છે અને આ તમામ જોખમો સામે કઈ સાવચેતીઓ વ્યક્તિને સંક્રમણથી સુરક્ષિત રાખી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપતા ડો. ગોપાલે આ માહિતી આગળ પ્રસરે તે દિશામાં સામૂહિક પ્રયાસો કરવા આગ્રહ કર્યો હતો.
કાર્યક્રમમાં એચ.આઈ.વી. સંક્રમણ, એઈડ્સ, બચાવના પગલા, સારવાર, ઉપસ્થિત સહાયના માધ્યમો સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી આપતું પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં એસટીના વિભાગીય નિયામકશ્રી ડિંડોળે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સીડીએચઓશ્રી ડો. મિનાક્ષી ચૌહાણ, આરસીએચઓશ્રી ડો. પી.કેશ્રીવાસ્તવ તેમજ એસટીના કર્મચારીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here