પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યુવા મતદાર જાગૃતિ અને નોંધણી અંગે વેબિનાર યોજાયો

મતદાર યાદીમાં નોંધણી કરાવવા તેમજ વિગતો અદ્યતન કરાવવા અપીલ કરતા ઉપકુલપતિશ્રી

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યુવા મતદાર જાગૃતિ અને નોંધણી વિષયક વેબિનાર યોજાયો હતો. હાલ જિલ્લામાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સને આ પ્રક્રિયાનો પરિચય કરાવવા તેમજ સાંકળવા વાઈસ ચાન્સેલરશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આ વેબિનાર યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રોને સંબોધન કરતા ઉપકુલપતિશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય લોકશાહી વ્યવસ્થા વિશ્વભરમાં ઉદાહરણીય અને અનુકરણીય રહી છે. મતદાનનો અધિકાર એ લોકશાહીની મહાનત્તમ ભેટ છે ત્યારે દરેક નાગરિક એ અધિકારનો ઉપયોગ કરે અને તે માટે મતદાર યાદીમાં લાયક બનતા જ પોતાની નોંધણી કરાવે તે અતિઆવશ્યક છે. દેશની વિકાસયાત્રા નિરંતર રહે અને દેશમાં લોકશાહી વ્યવસ્થાની મજબૂતી જળવાઈ રહે તે માટે દેશના યુવાઓ લાયક બનતા જ ચૂંટણી પ્રક્રિયામાં રસ લે-ભાગ લે તેવો તેમણે વિદ્યાર્થી મિત્રોને આગ્રહ કરતા રાજકીય પ્રવાહો અને ચૂંટણી પ્રક્રિયા વિશે સારી રીતે માહિતગાર થવા આગ્રહ કર્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી અને વસ્તી ગણતરી સમગ્ર વિશ્વમાં વખણાય છે ત્યારે મત આપવા માટે લાયક કોઈપણ વ્યક્તિ મતદાનના હકથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવું આપણી ફરજ છે અને તે માટે મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં જોડાઈ પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા, વિગતો અદ્યતન કરાવવા અને અન્યોને પણ તેમ કરવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં સક્રિય બનવા તેમણે યુવાઓને અપીલ કરી હતી. મતદાન માટે નામ નોંધાવી જેટલા જલદી યુવાઓ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બને તે દેશની લોકશાહી માટે ઉપકારક છે તે જોતા જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો અને પ્રોફેસર્સને પણ આ દિશામાં પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સરકારી પોલિટેનિક કોલેના આચાર્યશ્રી જે.વી.ભોલન્દાએ મતદાર યાદીમાં નોંધણી અને સુધારા-વધારા માટે જરૂરી ફોર્મ્સ ક્યાંથી મેળવી શકાય, કયા આધાર-પુરાવા સાથે જોડવાના રહે તેમજ ઓનલાઈન નોંધણી સહિતની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી દેસાઈ તેમજ કુલસચિવશ્રી ડો. અનિલ સોલંકીએ પણ સંબોધન કર્યા હતા. વેબિનારમાં જોડાયેલ કોલેજના વિદ્યાર્થીઓ સમગ્ર પહેલને પ્રશંસનીય ગણાવતા ઘણી નવીન બાબતો આ વેબિનાર મારફતે જાણવા મળી હતી તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here