પંચમહાલ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તા.૧૨ થી ૧૪ જૂન દરમ્યાન યોજાશે

જિલ્લાની ૧૩૮૪ શાળાઓ, ૧૫૨ રૂટ અને ૧૭૨ જેટલા અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં જોડાશે

સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. તા. ૧૨ થી ૧૪ જૂન, ૨૦૨૩ દરમ્યાન જિલ્લામાં શહેરી- ગ્રામ્ય વિસ્તારમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે સલાહ સૂચનો કર્યા હતા. બેઠકમાં શિક્ષણના તમામ અધિકારીશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસરશ્રી (આઈસીડીએસ), સામાજીક વનીકરણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ શહેરી વિસ્તારના ઓફિસરશ્રીઓ જોડાયા હતા. આ અમલીકરણ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા ૧૩૮૪ શાળાઓમાં કુલ-૧૫૨ રૂટ નિયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી, સાંસદશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ મળી કુલ-૧૭૨ જેટલા અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓએ આ કાર્યક્રમમાં જોડાશે અને ત્રણ દિવસ સહભાગી થઈ આ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.વિશેષમાં રાજય કક્ષાએથી પણ કુલ-૧૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે.

નવી શિક્ષણ નીતિ મુજબ આંગણવાડી કેન્દ્રો ખાતે ૩ થી ૫ વર્ષના બાળકો રહેશે, ૫ થી ૬ વર્ષના બાળકો બાળવાટિકામાં પ્રવેશ મેળવશે જ્યારે ૬ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.આ સાથે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.આ બેઠકમાં સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here