પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને વિકાસકાર્યોની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરાઈ

પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક સેવા સદન ખાતે યોજાઇ હતી. બેઠકમાં આણંદ-ગોધરા લાઈન સહિત રેલવેના ચાલી રહેલા કાર્યોની વિગત મેળવતા અધ્યક્ષશ્રીએ ડેરોલ સ્ટેશનના ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. બીએસએનએલની કનેક્ટિવીટીની સ્થિતિ પર ચર્ચા કરતા ડાઉનટાઈમ ઘટાડી જાંબુઘોડા મામલતદાર ઓફિસ અને બેન્કમાં કનેક્ટિવિટી કાયમ રહે તે અને ફોન પરત થાય ત્યારે ધારકને ડિપોઝીટની રકમ ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બીબીએનએલ દ્વારા ગ્રામ્ય સ્તરોએ કનેક્ટિવીટી માટે કેબલ નાંખવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવેનો તૂટેલા હિસ્સાનું ઝડપથી જરૂરી સમારકામ કરવા, મનરેગા યોજના અંતર્ગત કામોની બાકી મંજૂરી આપવા, વિધવા સહાયના પેન્શન નિયમિત રીતે મળે તે દિશામાં કામગીરી કરવા, આત્મનિર્ભર અને સ્કિલ ઈન્ડિયા યોજનાઓ હેઠળ વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, સારંગપુર, કરોલી, કલ્યાણા સહિતના કેટલાક ગામોમાંથી અનિયમિત વીજપુરવઠાની ફરિયાદ બાબતે સ્થળ તપાસ કરી જરૂરી કામગીરી કરવા બાબત પણ અધ્યક્ષસ્થાનેથી નિર્દેશ આપવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દિનદયાલ અંત્યોદય યોજના, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ, જ્યોતિગ્રામ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમ સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની વિગતવાર માહિતી આપી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં છોટાઉદેપુર સાંસદસુશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, ઇન ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયા સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈને કટોકટીને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અધિકારીઓ ચાર અલગ-અલગ સભાખંડમાં ઉપસ્થિત રહી વિડીયો કોંફરન્સના માધ્યમથી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here