પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક યોજાઇ

સેકન્ડ વેવની શકયતા જોતા વ્યવસ્થાપનની વ્યાપક તૈયારીઓ

ગોધરા-હાલોલ સહિતના શહેરી વિસ્તારો અને અસરગ્રસ્ત વિસ્તારોને આવરી લેતા સઘન સર્વે શરૂ કરવા સૂચના

હોટસ્પોટ વિસ્તારોમાં આક્રમક ટેસ્ટિંગની વ્યૂહરચના ઘડી અમલ કરવા જણાવ્યું

માસ્ક વગર પકડાયેલના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે

ગોધરા(પંચમહાલ),

કોરોના સંક્રમણના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કેસોની સંખ્યા નિયંત્રણ હેઠળ રાખવાના હેતુથી કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના કેસો, સારવાર હેઠળના દર્દીઓ, ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં કામગીરી, એક્ટિવ કન્ટેઇનમેન્ટ ઝોન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોટ સ્પોટ, પિંક સ્પોટ, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો અને ઉપયોગ, રેમડીસીવર સહિતની દવાઓ અને કીટના ઉપલબ્ધ જથ્થા સહિતની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી. છેલ્લા કેટલાક દિવસથી નવા કેસોની સંખ્યામાં વધારાને જોતા સેકન્ડ વેવની સ્થિતિમાં સુચારુ આગોતરા આયોજન અંગે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીઓને મળી રહેલા કેસોની પેટર્નને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ કેન્દ્રોની શરૂઆત કરવા અને આક્રમકપણે પુનઃ ટેસ્ટિંગ શરૂ કરવા સૂચના આપી હતી. સિવિલ હોસ્પિટલ, તાજપુરા હોસ્પિટલ, વિવિધ સીએચસી, ધનવતરી રથોની ઓપીડીમાં પોઝિટિવિટી વિશેની માહિતી લેતા અસરગ્રસ્ત વિસ્તારમાં ફ્લુકિટનું વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગોધરા-હાલોલ સહિતના જિલ્લાના શહેરી વિસ્તારોને સંપૂર્ણ રીતે અને અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોને આવરી લે તે પ્રકારે સઘન સર્વેની તૈયારી કરી શરૂ કરવા શ્રી અરોરાએ નિર્દેશ આપ્યા હતા. સર્વેમાં હોટસ્પોટ વિસ્તારો અને લક્ષણો ધરાવતા તેમજ વૃદ્ધ વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન રાખવા પણ તેમને જણાવ્યું હતું. માસ્ક ન પહેરી સંક્રમણનું જોખમ ઉભું કરતા લોકોના સ્થળ પર જ કોવિડ ટેસ્ટ કરવા માટે પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારીશ્રી, આરસીએચઓશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ સહિતના કોવિડ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here