પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનીવાલ જિલ્લાની મુલાકાતે, સાંપા ખાતે આવેલા રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કમિશ્નર ઓફ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને પંચમહાલ જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનીવાલે આજે જિલ્લાની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેમણે ગોધરા તાલુકાના સાંપા ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લઈ રસીકરણની કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું હતું તેમજ આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સચિવશ્રીએ દૈનિક ધોરણે થતા વેક્સિનેશન, ગ્રામજનોના પ્રતિભાવ, વેક્સિનેશન હેઠળ આવરી લેવાયેલ લોકો, બીજા ડોઝ માટેનું આયોજન, વેક્સિન મૂકાવવા આરોગ્ય કર્મીઓ દ્વારા કરાતા પ્રયાસો-વ્યૂહરચના, ગંભીર આડઅસરના કિસ્સા સામે આવ્યા છે કે કેમ, સાઈટ સુધી વેક્સિન લઈ જવાની સવલત સહિતની બાબતો અંગે ઝીણવટભરી માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ વધુ અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. સચિવશ્રીએ વેક્સિન મૂકાવનારા લોકો સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ વેક્સિનેશન સર્ટિફિકેટનું વિતરણ કરી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગામની મુલાકાત દરમિયાન વીસીઈ કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્ર પર દૈનિક ધોરણે થતી અરજીઓ-તકલીફો, ક્નેક્ટિવિટીની સમસ્યા પડે છે કે કેમ, ઓપરેટરને કામગીરી બદલ મળતા વળતર સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, પ્રાંત અધિકારી-ગોધરા સુશ્રી એન.બી. રાજપૂત, ડેપ્યુટી ડીડીઓશ્રી સીડી રાઠવા, આરસીએચઓ ડો. પી.કે.શ્રીવાસ્તવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here