પંચમહાલ જિલ્લાના ધો.૧ થી ૧૨ના કુલ ૧૦૫ બાળકોને વિનામૂલ્યે શ્રવણયંત્રનું કરાયું વિતરણ, બીજા તબકકામાં કુલ ૯૮ બાળકોને અપાશે શ્રવણયંત્ર

ગોધરા, (પંચમહાલ)-ઈશહાક રાંટા :-

સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજેકટ કચેરી, જિ.પંચમહાલ દ્વારા વીહીયર સંસ્થા અને વોઈસ ઓફ એસ.એ.પી.ના સહયોગથી શ્રવણમંદ જિલ્લાના ધોરણ ૧થી ૧૨ના કુલ ૧૦૫ દિવ્યાંગ બાળકોને શ્રવણયંત્રનું વિનામૂલ્યે વિતરણ આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૩નાશ્રી મનોજભાઈ મહેતા દાતાશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ, વીહીયર સંસ્થાના પ્રેસીડેન્ટશ્રી વિજયભાઈ શાહ, વોઈસ ઓફ એસ.એ.પી. (યુ.એસ.એ.) સંસ્થાના સંસ્થાપકશ્રી પ્રણવભાઈ દેસાઈ અને શ્રી મનોજભાઈ મહેતા, વોઈસ ઓફ એસ.એ.પી. ભારતના કો.ઓર્ડિનેટર શ્રીમતી નિયતીબેન શાહની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. વોઈસ ઓફ એસ.એ.પી.ના ફાઉન્ડર અને શ્રવણયંત્રના દાતાશ્રી દ્વારા સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ.એસ.એ. ખાતે હાજર રહીને નિહાળ્યુ હતું. શ્રવણયંત્રના એક ડિવાઈસની કિંમત રૂ.૧૫,૦૦૦/– હોય ૧૦૫ ડિવાઈસની રકમ રૂ.૧૫,૭૫,૦૦૦/– જેટલી થાય છે.હવે પછી બીજા તબકકામાં કુલ ૯૮ શ્રવણયંત્ર આપવામાં આવશે, જે કુલ ૨૦૩ ડિવાઈસના કુલ રૂ.૩૦,૪૫,૦૦૦/– થાય છે.

સાધન વિતરણ બાદ તમામ બાળકોના વાલીઓને અને વિશિષ્ટ લાયકાત ધરાવતા શિક્ષકોને શ્રવણયંત્રનો ઉપયોગ કરવા બાબતે તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર શ્રીમતી ગાયત્રીબેન પટેલના આયોજન હેઠળ દિવ્યાંગ બાળકોના સાધન વિતરણનો કાર્યક્રમ ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ, પ્રભારોડ, ગોધરા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here