આગામી તા.૭ મે ના રોજ તમામ જિલ્લાવાસીઓને અચુક મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી
મતદાન કર્યું
છોટાઉદેપુર, મંગળવાર : લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી- કર્મચારીઓ પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી બની શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા પણ મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે.
શ્રી ધામેલિયાએ જિલ્લાના તમામ નાગરિકોને આગામી તા.૭ મે ના રોજ અચુક મતદાન કરવાની અપીલ કરીને વધુમાં વધુ યુવા, મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આઈ.જી. શેખ, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં પોતાની સહભાગિતા નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here