શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા અને સાપ્તી અંબાજી ખાતેના વિવિધ તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

ગોધરા, (પંચમહાલ)-નૈનેસ સોની :-

અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે સાપ્તી દ્વારા નિઃશુલ્ક અપાય છે રોજગારલક્ષી શૈક્ષણિક તાલીમ

ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી- ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા અને અંબાજી ખાતે પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે વિવિધ નિવાસી તાલીમ કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે બંને કેન્દ્રો ખાતે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ મુખ્ય છે. આ ઉપરાંત, લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન, CNC ઓપરેટર, ટેમ્પલ આર્કિટેક્ચર જેવા ૩ મહિના અને ૬ મહિનાના ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી દ્વારા શરુ કરવામાં આવેલ છે.

સાપ્તી ધ્રાંગધ્રા અને અંબાજી ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઈટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. જેમાં થીયરી, ડ્રોઈંગ, ડિઝાઈનીંગથી લઈને વિધિવત રીતે પથ્થરકળાની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે.

અહીં તાલીમાર્થીઓ પારંપરિક પથ્થર કોતરણી, હાથ વડે સંચાલિત પાવર ટુલ્સ, લેથ ટર્નીંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. ઉપરાંત, તાલીમાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-
કમ્યુનિકેશન સ્કીલ પણ શીખવવામાં આવે છે. સાપ્તીના વિદ્યાર્થીઓને સ્ટોન આર્ટિઝનશીપ અને ડિઝાઈનમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે તથા ઇન્ટર્નશિપના માધ્યમથી પથ્થર ઉદ્યોગનો પૂરતો એક્સપોઝર આપવામાં આવે છે. તેમજ પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સાપ્તી ખાતે આધુનિક સુવિધા સભર વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ,ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી, વગેરે માળખાકીય સુવિધાઓ અદ્યતન માપદંડો અનુસાર ઉભી કરવામાં આવી છે. સાથે સાથે, રમતગમત, મનોરંજન અને સ્વ-વિકાસની સગવડો કેમ્પસ ખાતે આવેલી છે. ઉપરાંત, ઔદ્યોગિક પ્રવાસ અને અન્ય શૈક્ષણિક પ્રવાસો માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સાપ્તી ખાતેની તાલીમમાં જોડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી અને આ સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. ઉપરાંત, તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, તાલીમ દરમ્યાન જરૂરી સાધનો/ટૂલ્સ, સંપૂર્ણ સલામતી કીટ, સ્ટેશનરી કીટ-શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને અન્ય વિવિધ જરૂરી મટીરીયલ પણ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.સાપ્તીમાં સરળ નોંધણી પ્રક્રિયાથી પ્રવેશ મેળવી શકાય છે. ઉમેદવારો સાપ્તી ધ્રાંગધ્રા અથવા સાપ્તી અંબાજી
કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સાપ્તી ધ્રાંગધ્રા કેન્દ્રનું સરનામું છે: હળવદ બાયપાસ, રેલ્વે ક્રોસિંગ નં.૫૦ની બાજુમાં, તા.ધ્રાંગધ્રા, જિ-સુરેન્દ્રનગર. જયારે, સાપ્તી અંબાજીનું સરનામું છે: જીઈબી સબસ્ટેશન પાસે, જીએમડીસી, અંબાજી કુંભારિયા, તા. દાંતા, જી.બનાસકાંઠા. વધુ જાણકારી અને નામ નોંધાવવા માટે ૯૪૨૮૦૮૦૨૬૭ (સાપ્તી ધ્રાંગધ્રા) અને ૦૨૭૪૯- ૨૬૨૫૭૦ (સાપ્તી અંબાજી) નો સંપર્ક કરવા સાપ્તીના પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસરની એક યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પથ્થર કળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી પથ્થર કળા અને સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા તેમજ શિલ્પકળાના વ્યવસાયને પ્રોત્સાહન આપીને કુશળ કારીગરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here