પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શહેરી તેમજ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

દર વર્ષે ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવતા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં, પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શહેરી તેમજ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવનાર છે.
માતાનું ધાવણ આપવાથી બાળ મરણમાં ૧૩% સુધી ઘટાડો લાવી શકાય છે, એક સર્વે મુજબ જન્મના એક કલાકની અંદર ફક્ત ૩૭.૮% બાળકને સ્તનપાન શરૂ કરાવવામાં આવે છે અને છ માસ સુધી ફક્ત સ્તનપાન ૬૫% બાળકોને જ આપવામાં આવે છે. માતાનું ધાવણ પહેલા છ મહિના સુધી શિશુ માટે સંપૂર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે તેમજ ભવિષ્યમાં શિશુને સ્થૂળતા લોહીનું ઊંચું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગો થવાનું જોખમ ઘટાડી શિશુના શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ બને છે અને માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમોને પણ ઘટાડી માતા અને બાળકના જીવનભરના સ્નેહ ભર્યા સંબંધોને પ્રોત્સાહન આપે છે.
તા ૧ થી ૭ ઓગસ્ટ,વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને એસ.બી.સી.સી. ટીમો દ્વારા વિસ્તારમાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને શિશુના જન્મના પહેલા એક કલાક દરમિયાન અચૂક સફળ સ્તનપાનની સાચી શરૂઆત,પહેલું પીળું ઘટ્ટ ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા, જન્મ પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે અને ૨૪ કલાક શિશુને માતા સાથે જ રાખવું, માતા અને શિશુના સ્કીન ટુ સ્કીન કોન્ટક્ટ દ્વારા શિશુના વિકાસમાં થતા ફાયદા વિશે માહિતગાર થાય તે માટે સુનિશ્ચિત કરી, આપણા રાષ્ટ્રીય ધ્યેય “પ્રથમ છ માસ સુધી માત્ર સ્તન પાન” ના દર ને ૮૦% સુધી પહોંચાડવા માટે ધાત્રી તેમજ સગર્ભા માતા અને તેઓના પરિવારના વન ટુ વન કોન્ટેક્ટ, લઘુ શિબિર તથા ગુરુ શિબિર દ્વારા અને આશા મીટીંગ તેમજ મમતા દિવસ દરમિયાન માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here