નલસે જલ યોજના” અંતર્ગત ધોરાજીના ઝાંઝમેર ગામે ૧૨૦૦ જેટલા ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

છેવાડાનાં ગ્રામજનોને પણ પૂરતું પાણી મળી રહે તે માટે દિવસમાં બે વાર તો જરૂર પડ્યે ત્રણ વાર પાણી વિતરણ – સરપંચશ્રી કિરણબેન બગડા સંકલન: ભાવિકા લીંબાસીયા

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ “નલ સે જલ યોજના” હેઠળ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા નક્કર કામગીરી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ધોરાજી તાલુકામાં આવેલુ ઝાંઝમેર ગામ પાણીદાર ગામ બન્યું છે. આશરે ૫૦૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમાં આવેલા અંદાજે ૧૨૦૦ જેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ ગામનાં સરપંચશ્રી કિરણબેન બગડાએ જણાવ્યું હતું કે, પહેલાંનાં સમયમાં બહેનોને ચાલીને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. “નલ સે જલ યોજના” થકી પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને ગામડાઓ સમૃદ્ધ થયા છે, ત્યારે અમારાં ઝાંઝમેર ગામના દરેક ઘરમાં પાણીની સગવડ છે. અમુક લોકો પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકતા નથી ત્યારે લોકોની પરિસ્થિતિ સમજીને ગામમાં રહેતા છેવાડાનાં ગ્રામજનોને પણ પૂરતું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી દિવસમાં બે વાર તો જરૂર પડ્યે ત્રણ વાર પણ પાણી વિતરણ કરવામાં આવે છે. જેથી હાલ ગામમાં પાણીની કોઈ જાતની સમસ્યા રહી નથી.
પાણી વિતરણની સરાહનીય વ્યવસ્થા પ્રત્યે ગ્રામજનોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારશ્રીનો આભાર માન્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશન અંતર્ગત દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનાં ઉદેશ્યને સરપંચશ્રી કિરણબેને ચરિતાર્થ કરી બતાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જલ જીવન મિશન અંતર્ગત લાંબા ગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે દ્વારા રીચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here