નર્મદા જીલ્લા નાયબ માહિતી નિયામક તરીકેનો પદભાર સંભાળતા અરવિંદ મછાર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકકલ્યાણકારી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચાડી જિલ્લાને વિકાસના પથ પર લઈ જવા તત્પર “ટીમ નર્મદા” : નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી પ્રચાર-પ્રસારના માધ્યમથી જનહિતલક્ષી તમામ યોજનાઓને પ્રજા સુધી પહોંચાડી સરકાર વચ્ચે બનશે સેતુરૂપ

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જવાબદારીઓ અદા કરનાર અરવિંદ મછારના અનુભવોનો નિચોડ જિલ્લાના પ્રચાર-પ્રસારને વેગવાન બનાવશે

સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદાની શોભામાં વધારો કરનારી છે. ગુજરાતે સર્વ સમાજને સાથે લઈને તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસનો જનવિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે, જેમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભુમિકા ખુબ મહત્વપૂર્ણ રહી છે. ટૂંકમાં ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ ધપાવવા માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના તથા જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહીને જિલ્લા માહિતી કચેરીના નવનિયુક્ત નાયબ માહિતી નિયામક અરવિંદ મછારની ભૂમિકા મહત્વની સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને અરવિંદ મછાર અને “ટીમ નર્મદા માહિતી” જિલ્લાના શહેરી-ગ્રામીણ સહિત છેવાડાના માનવી સુધી સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા તથા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, મહિલા સ્વાવલંબન, સ્વનિર્ભરતા, વીજળી-પાણી સહિત ટુરિઝમ ક્ષેત્રે નર્મદા જિલ્લાના વિકાસના પાયાને વધુ મજબુત કરવા માટે સંકલ્પબદ્ધ રહેશે.

દક્ષિણ ગુજરાતથી જ શરૂ થઈ હતી શ્રી અરવિંદ મછારની કારકિર્દીની યશસ્વી સફરની શરૂઆત

વર્ષ-૧૯૯૬ માં અરવિંદ મછાર વલસાડ જિલ્લામાં માહિતી મદદનીશ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ દાંડી, નવસારી, મહેસાણા સહિત પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવી પોતાના લેખન કૌશલ્યથી સૌને પ્રભાવિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના કાર્યલયમાં પોતાની મહત્વપૂર્ણ ભુમિકા અદા કરી ચૂક્યા છે શ્રી મછાર
સિનિયર સબ એડિટર તરીકે અરવિંદ મછાર ગાંધીનગર પ્રકાશન શાખા તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતેના જનસંપર્ક કાર્યાલયની વિશેષ ટીમ જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ચૂક્યા છે.

સિનિયર સબ એડિટરમાંથી બઢતી મેળવીને મહિસાગર જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવનાર અરવિંદ મછાર ગોધરા, આણંદ, નડિયાદ ખાતે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. જે બાદ પુન: મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી હતી.

શ્રી અરવિંદ મછારનું ટીમ નર્મદા દ્વારા ઉષ્માભેર સ્વાગત
જિલ્લાના વિકાસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પોતાની ભૂમિકાઓ સુપેરે અદા કરનાર કર્મનિષ્ઠ પૂર્વ નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલાની નિવૃત્તિ બાદ નર્મદા જિલ્લાના કાયમી નાયબ માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા  અરવિંદ મછારના આગમનથી પૂર્વ ના.મા.નિ.  વાય.આર.ગાદીવાલા સહિત સમગ્ર રાજપીપલા માહિતી પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. નવા સ્ટાફ મિત્રો સાથે પરિચિત થયા બાદ તેઓ માહિતી પરિવારના ઉષ્માપૂર્ણ આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નર્મદા જિલ્લામાં પ્રચાર-પ્રસારની કામગીરીને વેગવાન બનાવવા સંકલ્પબદ્ધ શ્રી મછાર
આ પ્રસંગે  અરવિંદ મછારે જણાવ્યું કે, પ્રસાર-પ્રચારની પરિણામલક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા સહિત ગુજરાત પાક્ષિક છેવાડાના વિસ્તારો સુધી પહોંચે અને રાજ્ય સરકારની પ્રત્યેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળે તેના પર વિશેષ ભાર આપવામાં આવશે.

૧૦મી માર્ચ, ૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લાના વેગવાન વિકાસ માટે પ્રચાર-પ્રસારની અતિવિશેષ જવાબદારીઓ સ્વીકારતાની સાથે જ જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં અરવિંદ મછારનુ દબદબાભેર સ્વાગત કરાયુ હતું. નર્મદા જિલ્લામાં નિયુક્તિ પછી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેઓના અનુભવોનો નિચોડ અને હકારાત્મક કાર્યશૈલી જિલ્લા માહિતી કચેરીની પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગીલી અને પ્રજાલક્ષી બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here