નર્મદા જીલ્લામાં એક મહીના માટે બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ દરેક ઘરનાં મતદારોની વિગતોની ચકાસણીની કામગીરી શરૂ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને લઈને મતદાર યાદીને સુદ્રઢ બનાવવા હાઉસ ટુ હાઉસ ચકાસણીની કામગીરીમાં સહકાર આપવા જિલ્લાના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અપીલ

ભારતની ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તા. ૨૧/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી બી.એલ.ઓ દ્વારા ઘરે-ઘરે જઈને દરેક ઘરનાં મતદારોની વિગતોની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

૨૧ મી જુલાઈ ૨૦૨૩ થી મતદાર યાદી સુધારણાનાં ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી માટે બી.એલ.ઓની મુલાકાત દરમિયાન તેઓ જે-તે ઘરમાં મતદાર તરીકે નોંધાયેલા તમામ સભ્યોની વિગતોની ખરાઈ અને ઘરના તમામ સભ્યોની સભ્ય સંખ્યાની નોંધણી કરશે તેમજ આ કામગીરી માટે જાહેર જનતાનો સહયોગ અતિ આવશ્યક હોવાથી સર્વે માટે આવતા બી.એલ.ઓને જે-તે કુટુંબના મતદારોની વિગતોની ચકાસણી દરમિયાન પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા જવાબો આપવા તથા પરિવારના ૧૮ વર્ષ પૂર્ણ થયેલી વ્યક્તિની નોંધણી માટેની જરૂરી વિગતો તેમજ મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતરીત વ્યક્તિનું નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે બી.એલ.ઓને માહિતગાર કરી જરૂરી ફોર્મ ભરવા ઉપરાંત આ માટે જરૂરી આધાર પુરાવાઓ જેવા કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, મરણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો ફોટો, લગ્નની કંકોતરી વગેરે ઘરે ઉપલબ્ધ રાખવા જેથી મતદાન મથક સુધી જવાને બદલે ઘરે બેઠા જ મતદારયાદીમાંથી નામ કમી, નામ દાખલ કે નામમાં સુધારો કરી શકાય.

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રાષ્ટ્રીય કામગીરી હોવાથી તેમજ આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને લઈને મતદાર યાદીને સુદ્રઢ બનાવવા તથા કોઇપણ લાયક વ્યક્તિ નોંધણીમાંથી વંચિત ના રહે તે હેતુથી હાઉસ ટુ હાઉસ ચકાસણીની કામગીરીમાં સહકાર આપવા જિલ્લા નાગરિકોને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here