નર્મદા જીલ્લાના આદીવાસી વિસ્તારોમાં વસતા બાળકોમા જૉવા મળી રહી છે રમત ગમત ક્ષેત્રે અવનવી પ્રતિભાવો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ખેલાડીઓ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘જનજાતિ નેશનલ ગેમ્સ’ માં ઝળક્યા

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ – DLSS ના ખેલાડીઓએ વોલીબોલ ગેમ્સમાં દેખાડ્યો દમ : રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું

ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કરતું નર્મદા જિલ્લાનું ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજપીપલા રમત સંકુલ ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પ્રદાન કરવા માટે તાજેતરમાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રમતવીરોને ડોરમેટરી ભવન અને સિન્થેટીક એથ્લેટીક ટ્રેકનું લોકાર્પણ કરીને ભેટ આપી હતી.

નર્મદા જિલ્લાના પ્રત્યેક ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે રૂચી કેળવવા, ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપવા, રમતગમત ક્ષેત્રમાં ઉચ્ચતમ સિધ્ધિઓ હાંસલ કરવા સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે સક્ષમ બનાવવાના આશય સાથે શ્રેષ્ઠ તાલીમ, સાનુકૂળ વાતાવરણ, રહેવા-જમવાની વ્યવસ્થા સહિત શ્રેષ્ઠ કોચ થકી બાળક રમતક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરીને જિલ્લાનું નામ રોશન કરે તે માટે રાજપીપલા રમત સંકુલ સહિત શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલા ખાતે ચાલી રહેલી ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ (DLSS) એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના કુશળ નેતૃત્વ હેઠળ DLSS નું તમામ મોનીટરિંગ કરવામાં આવે છે. પરિણામસ્વરૂપ જિલ્લાના તેજસ્વી તારલાઓ રમતક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યાં છે. તાજેતરમાં ઓડિશા રાજ્યના ભુવનેશ્વર ખાતે પ્રથમ વખત યોજાયેલી ‘જનજાતિ નેશનલ ગેમ્સ’ માં નર્મદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ – DLSS ના ખેલાડીઓએ વોલીબોલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કરવા વર્ષ ૨૦૧૩-૧૪ થી એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ – DLSS અમલમાં મુકવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યમાં સ્પોર્ટિંગ કલચર અને ફિટનેસ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. અગાઉ નર્મદા જિલ્લાના પ્રવાસે પધારેલા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલ ક્ષમતાને ઉજાગર કરી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવવા માટે રાજપીપલા સંકુલ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણાવતા જણાવ્યું હતું કે, ખેલાડીઓ પોતાના રમત અને પોષણયુક્ત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત મહેનત કરશે તો જીત અવશ્ય મળશે. જે જિલ્લાના ખેલાડીઓએ ભુવનેશ્વર ખાતે વોલીબોલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને સાબિત કરી બતાવ્યું છે.

જુદી જુદી રમત સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ હાંસલ કરનાર ખેલાડીઓ તરફ એક નજર કરીએ તો મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે આયોજિત જીમનાસ્ટિક સ્પર્ધામાં દેવીન વસાવાએ સિલ્વર મેડલ તેમજ ભુવનેશ્વર ખાતે આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કરિશ્મા વસાવા, વંદના પાડવી અને તન્વી વસાવાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઉપરાંત, નેહા બારીયાએ ભોપાલ ખાતે વોલીબોલ, મયુર સરસીયાએ આસામ ખાતે હેન્ડબોલ, દર્શન કલાલ અને મનન ગામીતે દિલ્હી ખાતે આયોજિત જીમનાસ્ટિક જેવી રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધામાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

આજે નર્મદા જિલ્લાના ખેલાડીઓ રમતક્ષેત્રે પોતાની પ્રતિભા થકી ઉચ્ચકક્ષાની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરીને જિલ્લાની સિધ્ધિઓમાં ઉમેરો કરી રહ્યા છે. રાજપીપલા રમત સંકુલ અને DLSS ની કુશળ તાલીમ દ્વારા તૈયાર થઈ રહેલા નર્મદા જિલ્લાના રમતવીરો જે રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યાં છે તે જોતા કહી શકાય કે રાજ્ય-રાષ્ટ્ર સાથે નર્મદા જિલ્લાના ખેલકુદનો સુવર્ણયુગ આવ્યો છે.

શક્તિદૂત યોજના પર પણ એક નઝર કરીએ તો રમતવીરો માટે વર્ષ ૨૦૦૭ માં અમલીકૃત થયેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યભરના ખેલાડીઓ માટે ‘શક્તિદૂત’ બનવાનો છે. રમતવીરોને અદ્યતન રમતના સાધનો, કોચિંગ, તાલીમ, સ્પર્ધા ખર્ચ સહિત અન્ય સવલતો જેવી સુવિધાઓ માટે નાણાકીય સહાય આપવાનો છે. જેથી નર્મદા જિલ્લા સહિત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી સમાજ, રાજ્ય-રાષ્ટ્રનું નામ રોશન કરે એવો આશાવાદ આ યોજના થકી સેવાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here