નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ગોરા ખાતે યોજાનારા શુરપાણેશ્વર મહાદેવ મેળાના આયોજન અંગે બોઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલિલા મા નર્મદાના કિનારે આવેલા શુરપાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે ત્રિ-દિવસિય મેળો તા.૧૮ થી ૨૦ એપ્રિલે યોજાશે. આ મેળાના સુચારૂ આયોજન-અમલવારી સંદર્ભે આજે તા.૧૩/૦૪/૨૩ને ગુરૂવારના રોજ એકતાનગર વહીવટી સંકુલ ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના વડપણ હેઠળ બેઠક મળી હતી.

હાલમાં ચૈત્ર માસ નિમિત્તે મા નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે. તેમજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પ્રવાસીઓનો સતત ધસારો ચાલુ રહેતો હોય છે. ત્યારે આ મેળામાં પણ શુરપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા પણ રહેલી છે. જેને ધ્યાનમાં લઈને ઉક્ત બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમકે કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગના સ્થળે સાઈનેજીસ મૂકવા- હેલ્પડેસ્કની રચના કરવી, વાહન વ્યવહારમાં અડચણ ન થાય તેની કાળજી રાખી રૂટ ડાયવર્ઝન, મેળાના દિવસો દરમિયાન ઓથોરિટીની બસોના રૂટ નક્કી કરવા, એસટી વિભાગ દ્વારા વધારાના જરૂરી બસ રૂટ ફાળવવા, વિવિધ સ્ટોલની ફાળવણી, મેળાના સ્થળે યોગ્ય સાફ સફાઈ જળવાઈ રહે તે જોવા, કચરા પેટીની વ્યવસ્થા, મંદિરમાં દર્શનાર્થે એકસાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા તેમજ નર્મદા આરતીમાં સામેલ થનારા ભાવિકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થાય તે સહિતની સુચારુ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

નર્મદા ઘાટ ખાતે સ્નાન અર્થે આવતા શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં ન જાય તે માટે બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઈટીંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી-સલામતી તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડબાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મંદિરમાં આવતા લોકો માટે સેનિટેશન માટેની સુવિધા તેમજ દર્શનાર્થીઓને પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તે જોવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. અને મેળામાં આવતા લોકો શાંતિપૂર્ણ રીતે મેળાને માણે અને મહાલે તેવી વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન પુરૂં પડાયું હતું. મેળામાં આવતા ભાવિકોને સાવધાની એજ સલામતી અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉક્ત બેઠકમાં SoUADTGAના અધિક કલેક્ટર હિમાંશુ પરિખ, ધવલ જાની, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી વાણી દૂધાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ પોલીસ અધિક્ષાક જયવીરસિંહ ઝાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ, શુરપાણેશ્વર મહાદેવ મંદિરના મેનેજર પ્રફુલભાઈ સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેળાને સફળ બનાવવા રચનાત્મક સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here