ધોરાજીમાં અંતે લલીત વસોયા ‘પંજા’ના નિશાન પર જ ચૂંટણી લડશે

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ગઈ મધરાતે જાહેર થયેલી કોંગ્રેસની યાદીમાં અંતે ધોરાજી-ઉપલેટા બેઠક પર સીટીંગ ધારાસભ્ય લલીત વસોયાને પક્ષે ફરી ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનાવ્યા છે પરંતુ છેલ્લા એક માસથી વધુ સમયથી લલીત વસોયા ભાજપમાં જશે કે કોંગ્રેસમાં યથાવત રહેશે તે અંગે જબરી અટકળો સર્જાઈ હતી અને ખુદ લલીત વસોયાએ ભાજપના નેતાઓ સાથે સેલ્ફી અપલોડ કરી અને સ્ટેજ શેર કરીને પોતે ભાજપની નજીક હોવાનો સંકેત આપવાનો પ્રયત્ન કર્યો હતો અને કોંગ્રેસ પક્ષ છેલ્લી ઘડી સુધી દ્વિધામાં રહી હતી. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ તેમાં ધોરાજી-ઉપલેટા બેઠક પર કોઇ ઉમેદવાર જાહેર ન થતા આ સસ્પેન્સ આગળ વધ્યો હતો અને લલીત વસોયા કોંગ્રેસના અન્ય ધારાસભ્યોની માફક કેસરીયા કરીને ધોરાજી-ઉપલેટાની બેઠક પર કમળના પ્રતિક પર લડશે તેવી વાતો પણ વહેતી થઈ હતી. તો બીજી તરફ કોંગ્રેસ પણ લલીત વસોયા તેનું સ્ટેન્ડ ક્લિયર કરે તેની રાહ જોતી હતી અંતે ગઈકાલે કોંગ્રેસની યાદીમાં વસોયાનું નામ આવી જતા હવે આ બેઠક પર ભાજપ કોને ટીકીટ આપે છે તેના પર સૌની નજર છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ધોરાજી-ઉપલેટા બેઠકમાં ભાજપ કડવા પાટીદારને ટીકીટ આપે છે પરંતુ કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર ધારાસભ્યને રીપીટ કરાતા અને રાજકોટમાં લેઉવા પટેલની મનાતી રાજકોટ-૬૮ની બેઠકમાં ઓબીસી ઉમેદવાર ઉદય કાનગડને ટીકીટ આપતા લેઉવા સમાજ સમુદાયની એક બેઠક ઓછી થઈ છે. તેથી જ હવે ધોરાજી-ઉપલેટામાં ભાજપ લેઉવા સમુદાયના કોઈ દાવેદારને ટીકીટ આપે તેવી શક્યતા છે જેમાં રાજકોટના બિલ્ડર અને ધોરાજી-ઉપલેટાના વતની કેયુર ઠેસીયાને ટીકીટ આપે તેવી શક્યતા દર્શાવાય રહી છે. અને ભાજપની જે આખરી યાદી બહાર પડશે તેમાં ભાજપનો વ્યૂહ નિશ્ચિત થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here