જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના શ્રી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું. સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઓની પ્રતિનિધિશ્રીઓએ વિઝીટ કરી હતી. આ સાથે અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટેનો સંદેશ પણ પ્રતિનિધિશ્રીઓએ લખ્યો‌ હતો અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. .

મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે ત્યારે અહીં જી-૨૦ના સભ્યશ્રીઓને ધ્રુજારી , ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

આ સાથે સ્મૃતિવનમાં મ્યૂઝિયમના કુલ સાત બ્લોક જે પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણને દર્શાવે છે તેને પ્રતિનિધિશ્રીઓએ નિહાળ્યા હતા. ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી જી-૨૦ના ડેલીગેટસ એ માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ સિંઘ, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી શ્રી હારિત શુક્લા, જોઈન્ટ એમડી શ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, વિદેશ મંત્રાલયના અધિકારીશ્રી અંકિત જૈન, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here