જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ ૨૦૨૩ની બેઠક યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ધારાસભ્યો દ્વારા આંગણવાડીના બાંધકામ અને કામગીરી બાબતે પ્રશંસા કરવામાં આવી.

વરસાદની સિઝનમાં મામલતદાર કક્ષાએ ૨૪ કલાક નિરીક્ષણ થાયતે ઇચ્છનીય છે.: જીલ્લા કલેકટર

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના જીલ્લા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ-૨૦૨૩ની બેઠક યોજાવમાં આવી હતી. જેમાં જીલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રી અભેસિહભાઈ તડવી અને રાજેન્દ્રસિહ રાઠવા જોડાયા હતા.
બેઠક દરમિયાન છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિવિધ મુદ્દે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અને નવા બનેલા નંદ ઘરની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમિક શાળાઓના ઓરડાઓના બાંધકામ અંગે રાજેન્દ્રસિંહે પૂછેલા પ્રશ્નના જવાબમાં ડીપીઓ એ જણાવ્યું હતું કે જીલ્લામાં કુલ ૧૪૧ ઓરડાઓ તોડી પાડવામાં આવેલા છે, જેમાંથી ૯૮ ઓરડાઓના નવા બાંધકામ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામા આવશે જેની તાંત્રિક મંજુરી આપી દેવામાં આવી છે. ડીડીઓએ જણાવ્યું હતું કે આપણા જીલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કુલ ૪૩૧ ઓરડાઓ નવા બનાવવાના છે જેનું કામ પાઈપલાઈનમાં છે. અભેસિંહ તડવીએ ખેડૂતોની જમીનના પેન્ડીંગ કેસો માટે ઝડપથી પ્રક્રિયા કરવા, નસવાડીમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિકનો પ્રશ્ન અને પાણી પુરવઠા મારફતે પાણીની ટાંકીઓના લીકેજ
બાબતે ટકોર કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે જી.આઈ.ડી.સી બનાવવા માટે પ્રાથમિક ચર્ચા થઈ હતી. મલાજા, ચોમેઠા, રંગપુર અને આંત્રોલીના સબ સેન્ટર – પીએચસી બની ગયા છે જેનું લોકાર્પણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બેઠકના બીજા દૌરમાં ખાતાકીય તપાસના, સરકારી લેણાની બાકી વસુલાત અંગે વિગતે સમીક્ષા કરતા વગેરે કામોની ચર્ચા કરવામાં આવી હતી. લોકો તરફથી મળેલી અરજીઓના નિકાલ, વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ તેમજ આર.આઇ.સીના બાકી પેરાના નિકાલ અંગે પણ વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. સી.એમ.ડેશ બોર્ડ અંતર્ગત કરવામાં આવતી ન્યુઝ એનાલિસીસની કામગીરી અંગે વિગતે સમીક્ષા કરી જે કચેરી દ્વારા ન્યુઝ એનાલીસીસની કામગીરી બાકી હોય એ કચેરીને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. વધુમાં બેઠક દરમિયાન કલેકટર સ્તુતિ ચારણે સુચન કર્યું હતું કે મામલતદાર કક્ષાએ વરસાદની સિઝનમાં કોઈ એક સ્ટાફ મેમ્બરને રાખીને ૨૪ કલાક નિરીક્ષણ માટે ડ્યુટી આપવી. તેમજ તમામ આધિકારીઓએ પરવાનગી વગર હેડ ક્વાટર છોડવું નહિ. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર કે.ડી ભગતે કર્યું હતું. આ ઉપરાંત બેઠકમાં એસપી ધર્મેન્દ્ર શર્મા, પ્રયોજના વહીવટદાર સચિનકુમાર, નાયબ કલેકટર અમીત ગામીત, આયોજન અધિકારી સુશ્રી, એસ.બી.ડાભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિરલ વસાવા, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ રાહુલ બારડ, તમામ મા અને ખ્રિ વરિષ્ઠ અધિકારી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here