છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંગે બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ તકે કલેકટરશ્રીએ ગટર-કાંસ-નાળાની સાફ-સફાઇ સમયસર થઈ જાય તે માટે તકેદારીના
તમામ પગલાં ભરી આગોતરું આયોજન કરવા તેમજ સંબંધિત અધિકારીઓને ગામ-તાલુકા અને જિલ્લા કક્ષાનો વિગતવાર એકશન પ્લાન ઘડી કાઢવા જણાવ્યું હતું. તેમણે ચોમાસામાં જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-સહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.
કલેકટરશ્રીએ સ્થળાંતરની પરિસ્થિતી ઊભી થાય તો તેના માટેના આશ્રયસ્થાનોની જરૂરી ચકાસણી કરવાની સાથે તરવૈયાઓ અને હોમગાર્ડઝના જવાનોની યાદી તૈયાર રાખવા જણાવી જેસીબી મશીનો, કેઇન, ટ્રેકટર, ડમ્પરની વિગતો તૈયાર રાખવા જણાવીને નડતરરૂપ જોખમી વૃક્ષો, ઝાડી-ઝાંખરા
ઉતારી લેવા સુચન કર્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણીએ શોધ-બચાવના સાધનો ચકાસવા, તમામ યાદીઓ અદ્યતન કરવા તેમજ ચોમાસા પહેલા જિલ્લામાં જર્જરિત મકાનો કે જોખમી બેનરો હોય તો તેની ખાતરી કરી આવા જર્જરિત મકાનો/જોખમી બેનરો ઉતારી લેવા જણાવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં ડિઝાસ્ટર નાયબ મામલતદારશ્રીએ વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેકટરશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here