ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે : નર્મદા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા મા 31.70 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ બે પુલનું નર્મદા જીલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી એ લોકાર્પણ કર્યુ

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રાજયના માર્ગ મકાન વિભાગ દ્રારા જિલ્લાના દેવલીયા પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-૫૬ ઉપર અંદાજે રૂા.૧૩૫૮.૫૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ચાર માર્ગીય “મેણ બ્રિજ” તેમજ ભાણદ્રા પાસે અંદાજે રૂા.૧૮૧૧.૪૨ લાખના ખર્ચે ચાર માર્ગીય “સમરખાડી બ્રિજ” નું લોકાર્પણ કરાયું હતું. આમ, જિલ્લામાં અંદાજે કુલ રૂા. ૩૧.૭૦ કરોડના ખર્ચે ઉક્ત બંન્ને પુલોનું નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓ તેમજ ગરૂડેશ્વર, રાજપીપલા, તિલકવાડા અને આસપાસના વિસ્તારના સામાન્ય લોકોની અવર-જવર માટે સારી સુવિધા ઉપલબ્ધ થઇ છે. તદ્દઉપરાંત મહારાષ્ટ્રથી વડોદરા તથા બોડેલી તરફ જતા વાહનોના પરિવહનની સુવિધા પણ સુલભ બની છે.

આ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ સહિતના જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ વગેરે આ લોકાર્પણ સમારોહમાં જોડાયાં હતા અને આ બ્રિજની તકતીનું અનાવરણ કરાયું હતું. ભાણદ્રા ચોકડી ખાતે “સમર ખાડી” પુલના લોકાર્પણ બાદ યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ સમગ્ર ગુજરાતની જીવાદોરી “માં-નર્મદા” ના પવિત્ર આંગણે અને નવરાત્રિના પાવન પર્વમાં આ બંન્ને નદી કાંઠાને જોડતો બ્રિજ ખૂલ્લો મૂકાતાં આ વિસ્તારના લોકોની સુખ-શાંતિ અને સમૃધ્ધિના દ્રાર ખૂલશે તેવી મા નર્મદાને પ્રાર્થના સાથે આ વિસ્તારના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્રારા સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની થઇ રહેલી ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાને આ બન્ને પુલોની ભેટ ધરવા બદલ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી સાથે ઋણ સ્વીકાર કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમસીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે, ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આગામી ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રીશ્રીની સમાજના ગરીબ, શોષિત, પીડિતના ઉત્થાન માટેની સંકલ્પબધ્ધતાની પરીપુર્તિ માટે ગુજરાત અગ્રેસર રહેશે, પ્રતિબધ્ધતા વ્યક્ત કરીને ગુજરાતનો કોઇપણ વિસ્તાર રોડ કનેક્ટીવિટીથી વિમુખ ન રહે કે કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિ મકાનની છત વિના ન રહે તેવી નેમ સરકારની રહી છે, તેમ તેમણે ઉમર્યુ હતુ.

રાજનીતિ નહીં પણ રાષ્ટ્ર-પ્રથમની વિચારધારા સાથે દેશની ધૂરા સંભાળી રહેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંગ્રેજો સામેની આઝાદીની લડતમાં દેશના અનેક મહાપુરુષો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નામી-અનામી અનેક વીર સપુતોએ તેમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરીને દેશને મહામૂલી આઝાદી અપાવી છે તેવા લોકોને યાદ કરીને તેમની સ્મૃતિ તાજી કરવાનો અવસર પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને આપ્યો છે, જેમાંથી આજની નવી પેઢીને પ્રેરણા મળશે. દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરાવીને દેશને અખંડિત રાખનાર પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબ કે જેમની નેમ રાષ્ટ્રને સર્વોપરી સ્થાને લઇ જવાની હતી તેવા સરદાર સાહેબને ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એકતાની પ્રતિમા આ મહામાનવના આદર્શોની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરે તેવા આશયથી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની સૌથી ઉંચી એકતાની ૧૮૨ મીટરની પ્રતિમા કેવડિયામાં સ્થાપીને આ વિસ્તારમાંથી વૈશ્વિક એકતાનો સંદેશો સમગ્ર વિશ્વમાં ગુંજતો કર્યો છે.

મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બન્ને પુલની ફોરલેન કનેક્ટીવિટીની સુવિધા તો આ વિસ્તારના સર્વાંગી વિકાસની માત્ર એક ઝાંખી જ છે. આગામી સમયમાં તમામ રાજ્યોના ભવનોની સ્થાપના થાય, તેમજ આ વિસ્તારમાં અનેક બોલી, પહેરવેશ, ખાનપાન રિત-રિવાજ સહિતની અનોખી ભેટ સાથેની સુવાસ સરદાર સાહેબની પ્રતિમાના દર્શનાર્થી મુલાકાતીઓ દ્રારા પ્રસરશે અને તાજમહેલની મુલાકાતની જેમ આગામી વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ અને વિશ્વના પ્રવાસીઓથી ઉભરાશે. જેને લીધે આ વિસ્તારના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને પૂરતી રોજગારી મળી રહેશે.

આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રસંગોચિત્ત પ્રવચનો કર્યાં હતાં. પ્રારંભમાં રાષ્ટ્ર ધોરીમાર્ગના મુખ્ય ઇજનેરશ્રી અને માર્ગ મકાન વિભાગના અધિક સચિવશ્રી પી.આર.પટેલીયાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ આભારદર્શન કર્યું હતું.

આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લાના અગ્રણીશ્રી સતીશભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, શ્રી વિક્રમભાઇ તડવી, શ્રી જ્યંતિભાઇ તડવી, શ્રી અનિરિધ્ધસિંહ ગોહિલ, શ્રી જયેન્દ્રભાઇ પ્રજાપતિ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત અન્ય આગેવાનો, આસપાસના ગ્રામજનો વગેરે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉક્ત કાર્યક્રમ બાદ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજપીપલામાં તાજેતરમાં કરજણ નદીના પાણીથી ઓવારા નજીક થયેલાં ધોવાણ સ્થળની મુલાકાત લઇ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ રાજપીપલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here