કાલોલ તાલુકા આમ આદમી પાર્ટીએ બેઢીયા ટોલનાકા પાસે ભાજપના ‘કિસાન સન્માન દિવસ’ ની ઉજવણીના વિરોધમાં કિસાન વિરોધી ભાજપ દિવસ મનાવ્યો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કિસાનો હવે કહે છે કે,અમારા માટે કમળની ખેતી શક્ય નથી, તો હવે મત પણ શક્ય નથી

આજ રોજ કાલોલ તાલુકાના બેઢીયા ટોલનાકા પાસે આવેલા હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં જિલ્લા અને તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં “કિસાન વિરોધી ભાજપ દિવસ” ની ઉજવણી કરવા માટે બેઠક અને પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું આયોજન, સંચાલન ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલ, કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ તથા કાલોલ તાલુકા કિસાન પ્રમુખ જૈમિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને મહેમાનોને ફુલગુચ્છ આપી સ્વાગત કરી કરવામાં આવ્યું હતું.
ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછીએ ગુજરાતમાં ખેતી અને ખેડુતોની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું વિજળી, સિંચાઇનું પાણી જેવી સમસ્યાઓ દૂર કરવા સત્તા પરિવર્તન એજ માત્ર ઉપાય છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલે ખેડૂતોની સ્થિતિ, પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, દવા, ખાતર, બિયારણ પર વધેલી મોંઘવારીથી ખેડુતની સ્થિતિ દયનીય બની છે તેમ જણાવ્યું હતું.
આજ રોજ કોંગ્રેસના આગેવાન કે જેઓ ખંડેવાડ તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા રાજકીય આગેવાન કનકસિંહ રાઠોડ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા સંગઠન મંત્રીએ ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પ્રસંગો ઉચિત સંબોધન કરતા જણાવ્યું હતું કે, પહેલાં ખેતી ઉત્તમ ગણાતી હતી આજે કનિષ્ક તરીકે ગણવામાં આવે છે આવી સ્થિતિ થવાનું કારણ શું ? ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને સાંભળવામાં આવતાં નથી, છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પોતાની વાત રજૂ કરવા આંદોલન કરી રહ્યા છે, સેંકડો ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે છતાં આ સરકાર તેઓની માંગણી સ્વિકારતી નથી અને ખેડૂતોને અપમાનિત કરવામાં આવે છે, આતંકવાદી હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે તેમ કહી કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ જે બનાવ્યા છે તે આવનારા સમયમાં કેટલાં નુકશાન કારક સાબિત થશે તે બાબતની માહિતી આપવામાં આવી હતી.
વારંવાર ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરવામાં આવે છે બીજી બાજુ મોંઘવારી વધારી ખેડૂતો અને સામાન્ય જનતાને પરેશાન કરાય છે જેવી વાત જિલ્લા પ્રમુખે કરી હતી.
પાર્ટીના કાર્યકર પિયુષભાઈએ આમ આદમી પાર્ટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલે કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, લઘુમતી મોરચા પ્રમુખ મુસ્તાકભાઇ, મુન્નાભાઈ, યુવા પ્રમુખ તુષાર સોલંકી, મહામંત્રી મહેશભાઈ ચૌહાણ,  સંગઠનમંત્રી આકાશ વણઝારા, સલીમ બેલી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here