કાલોલ તાલુકાના નેવરીયા ગામની કરાડ નદીમાં ગેરકાયદે થતા રેતીખનન સામે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના નેવરિયા ગામના ગ્રામજનોએ મંગળવારે મામલતદારને આવેદન આપ્યું હતું. ગ્રામજનોના આવેદન મુજબ નેવરિયા ગામ નજીકથી પસાર થતી કરાડ નદીમાંથી રેતી ખનન કરીને રેતીનો કાળો કારોબાર ઘણા લાંબા સમયથી મોટા પ્રમાણમાં ચાલાતો હોવાથી નદીપટમાં રેતી ઉલેચીને મોટા મોટા ખાડાઓ પાડીને હવે નદી તટના સર્વે નંબરની જમીનમાંથી પણ‌ રેતી ઉલેચતા ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે, આ વિસ્તારમાંથી રેતી ઉલેચતા રેતી માફીયાઓએ વડોદરા અને સાવલી વિસ્તારમાં પહોંચાડી રહ્યા છે, જેને કારણે રોજ બરોજ બેફામપણે ધમધમતા રેતીના ટર્બાઓને કારણે નેવરિયાથી ચાંપાનેર રોડ ગત વર્ષે જ નવો બન્યો હોવા છતાં આખો રસ્તો ઠેર ઠેર તુટીને બિસ્માર હાલતમાં થઈ ગયો હતો. જેથી બેફામ અને પુરઝડપે દોડતા રેતીના ટર્બાઓ અને તૂટી ગયેલા રોડથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

તદ્ઉપરાંત બેફામ રેતી ખનનને કારણે આ વિસ્તારના ભૂગર્ભ જળના તળિયાના સ્તર નીચે જતા ઉનાળા દરમ્યાન સ્થાનિકો અને પશુઓને પીવા માટે પાણી મળતુ નથી. જેથી ત્રાસી ગયેલા ગ્રામજનો દ્વારા અવારનવાર સ્થાનિક અઘિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ જાતે જનતા રેડ કરીને એક ટર્બો ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આમ નેવરિયા વિસ્તારમાં નદીના પર્યાવરણ અને ભુસ્તરને ભારે નુકસાન કરતા ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોને તાત્કાલિક અસરથી અટકાવવાની ગ્રામજનોએ માંગ કરી છે. તદ્ઉપરાંત જો તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનો એ આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here