કાલોલ : કામ અપાવવાના બહાને મહિલાઓના રૂપિયા પડાવનારને પાઠ ભણાવતી અભયમ મહિલા હેલ્પલાઇન

કાલોલ,(પંચમહાલ)
ઇમરાન ખાન

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પાસેના ગામમાંથી એક મહિલાનો અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે એક વ્યક્તિએ લોકડાઉન દરમિયાન મહિલાઓને રોજગારી આપવાનું કહી મહિલાઓ પાસેથી રૂપિયા એકત્રિત કર્યા હતા. જો કે પછી રોજગારી ના આપતાં મહિલાઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ગોધરાનો સંપર્ક કર્યો હતો. છેતરપીંડીનો મામલો લાગતા અભયમ ટીમે આ વ્યક્તિને પોલીસને હવાલે કર્યો હતો. લોકડાઉન દરમિયાન તકનો લાભ લઈ મહિલાઓને કામ આપી રોજગારી મળશે તેવી લાલચ આપીને એક વ્યક્તિએ મહિલા દીઠ ૬૦૦/-રૂપિયા ઉઘરાવ્યાં હતા. આ રીતે આજુબાજુના ૪-૫ ગામમાંથી રૂપિયા ઉઘરાવી કામ આપતા ના હતા. મહિલાઓએ વારંવાર કામ મળી રહે તે માટે રજુઆત કરી હતી પરંતુ થોડો સમય લાગશે તેમ જણાવી બહાના બતાવી કામ આપતા ના હતા. ગઈ કાલે મહિલાએ આ બાબતે કોલ કરી કામ આપવા જણાવતા તે વ્યક્તિએ જણાવ્યું હતું કે હમણા કામ મળી શકે તેમ નથી માટે તમારા રૂપિયા કેનાલ પાસે આવી લઈ લેજો. જેથી ગામના એક મહિલા કેનાલ પાસે પહોંચતા તે વ્યક્તિએ બોલાચાલી કરી મહિલા સાથે ખેંચતાણ કરતા તેઓએ સમયસુચકતા વાપરી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કર્યો હતો. ગોધરા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર તાત્કાલિક પહોંચી વ્યક્તિ સાથે પૂછપરછ કરતા પ્રાથમિક રીતે છેતરપિંડીનો મામલો જણાયો હતો. સ્થિતિની ગંભીરતા સમજી કાલોલ પોલીસ સ્ટેશનમાં રજુ કરવામાં આવ્યો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here