કાલોલમાં નવજાત શિશુને રૂ.૧૫, ૦૦૦માં વેચી દેવાના કારસામાં કાલોલ પોલીસે દાયણ અને દંપતિ સાથે ત્રણ આરોપીઓની કરી અટકાયત

કાલોલ(પંચમહાલ), તા.૧૮/૦૯/૨૦૨૦
મુસ્તુફા મિર્ઝા

કાલોલ શહેરની એક ખાનગી પ્રસુતિ હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી મહિલાએ અજાણી સ્ત્રીની અંગત રીતે પ્રસુતિ કરાવી જન્મેલ નવજાત શિશુ એવા છોકરાને કાલોલ તાલુકાના સુરેલી ગામના દંપતિને રૂ. ૧૫,૦૦૦માં વેચી દેવાનો મામલામાં કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. આ સમગ્ર ઘટના અંગેની માહિતી મુજબ બાળ સુરક્ષા કચેરી ગોધરાને ૧૧/૦૯/૨૦૨૦ના રોજ મળેલી એક અનામી રજુઆત અનુસાર કાલોલ તાલુકાના સુરેલી ગામના ઝીલીયા ફળિયામાં રહેતા એક દંપતિ નામે રીનાબેન પ્રવીણભાઈ પટેલ અને પ્રવિણભાઇ ઉદેસિંહ પટેલ દંપતિને ત્રણ પુત્રીઓ બાદ કોઈ ગર્ભ કે સુવાવડનો કોઈ લક્ષણો નહીં હોવા છતાં અચાનક પાછલા ચાર-પાંચ દિવસ કોઈ નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળીને સમગ્ર પોલ ખુલી ગઈ હતી. જે અંગે સ્થાનિક એક જાગૃત નાગરિકે જિલ્લા બાળ સુરક્ષા વિભાગને અનામી રજુઆત કરી જાણ કરતા બાળ સુરક્ષા વિભાગે તપાસ કરતા આ દંપતી સુરેલીથી રીનાબેનના પિયર ખરસલીયા ગામેથી નવજાત શિશુ સાથે મળી આવ્યા હતા. જે નવજાત શિશુ અંગે દંપતિની કડક પુછપરછ કરતા દંપતિએ કાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી દાયણ નામે મંજુલાબેન સાથે પરિચય હોવાથી આ દાયણે ૦૧/૦૯/૨૦૨૦ના રોજ તેમનો મોબાઇલ નંબર પર સંપર્ક કરી મંજુલાબેને કોઈ અજાણી સ્ત્રીનું નામ આપ્યા વિના નવજાત શિશુને ગરજવાન દંપતીને મંજુલાબેનને રૂ. ૧૫,૦૦૦માં વેચી દીધું હતું. જે સંદર્ભે પંચમહાલ બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પ્રવિણચંદ્ર પંચાલની ફરિયાદને આધારે કાલોલ પોલીસે નવજાત શિશુના ગેરકાયદે ખરીદ-વેચાણ કરવાના ગુનામાં (૧) મંજુલાબેન કનુભાઈ મોતીભાઈ બારોટ-દાયણ (રહે..બારોટ ફળીયા, કાલોલ) અને ખરીદનાર દંપતિ એવા ૨) રીનાબેન પ્રવીણભાઈ પટેલ અને ૩) પ્રવીણભાઈ ઉદેસિંહ પટેલ(બંને રહે: ઝીલીયા ફળિયા-સુરેલી) આ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અટકાયતી પગલાં ભરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

કાલોલ પોલીસની પ્રાથમિક તપાસમાં શહેરની એક ખાનગી પ્રસુતિ હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી મંજુલાબેને સુવાવડ કરવાનું કામ શીખી જતા કોઈ ગર્ભવતી બનેલી અજાણી મહિલાનો સાધીને મંજુલાબેને હોસ્પિટલને બદલે પોતાના અંગત સ્થળે પ્રસુતિ કરાવી પુત્ર વિહોણા સુરેલીના દંપતિનો સંપર્ક સાધી રૂ. ૧૫,૦૦૦માં નવજાત શિશુ એવા છોકરાને વેચી માર્યો હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. જોકે કાલોલ પોલીસ સામે હજી પણ નવજાત શિશુને જન્મ આપનાર અભાગી માતા કોણ છે? એ અભાગી માતા કુંવારી માતા છે કે પરણિત છે? તદ્ઉપરાંત નવજાત શિશુની પ્રસુતિ ક્યાં અને કોની કોની મદદથી કરવામાં આવી અને કયા કારણોસર નવજાત બાળકને ત્યજી દીધું છે? તે તમામ તલસ્પર્શી હકીકતોની તપાસ માટેના કાલોલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

તસવીરો : કાલોલમાં જન્મજાત માતાનું ધાવણ છોડાવી નવજાત શિશુનું વેચાણ કરનાર દાયણ મંજુલાબેન અને પુત્રની લાલચમાં શિશુની ખરીદી કરનાર દંપતિની કરેલી અટકાયત તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here