આરોગ્ય રાજ્યમંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી..

.ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સિવિલના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

હોસ્પિટલ તંત્ર અને અધિકારીઓ સાથે ઉપલબ્ધ સારવાર-સુવિધાઓને બહેતર બનાવવા અંગે ચર્ચા-પરામર્શ

આપ કે દ્વાર આયુષ્માન” મેગા ડ્રાઇવ અંતર્ગત ગોધરા સિવિલ ખાતે 21મી ઓક્ટોબરે યોજાનાર કેમ્પની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી

ગોધરા ખાતે મેડિકલ કોલેજની શરૂઆત પહેલી પ્રાથમિકતા, ટૂંક સમયમાં તમામ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાશે

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારે આજે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા હાથ ધરી હતી. આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ ગોધરા સિવિલના વરિષ્ઠ તબીબો-અધિકારીઓ બેઠક કરી હોસ્પિટલના સમગ્ર વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધાઓ, જરૂરિયાતો, પડતી સમસ્યાઓ અને આગામી આયોજન વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે પીડિયાટ્રીક્સ, આંખ, ઓપીડી, સર્જરી, જનરલ વોર્ડ સહિતના સિવિલના વિવિધ વિભાગોની જાત મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સારવાર-સુવિધાઓનું જાત નિરીક્ષણ કરતા સેવાઓને વધુ બહેતર બનાવવા અંગે પરામર્શ હાથ ધર્યો હતો. મંત્રીશ્રીએ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછવા સાથે સંવાદ કરી તેમને સિવિલ ખાતે મળી રહેલી સારવાર અંગે પૃચ્છા કરતા તેમના પ્રતિભાવો જાણ્યા હતા. સિવિલ ખાતે ઉપલબ્ધ તબીબી અને માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા તેમજ સારવાર વધુ ઝડપી અને સરળ બનાવવા માટેના આયોજનો અંગે ચર્ચા કરતા તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. પીએમ-જેએવાય માં કાર્ડ સરળતાથી ઈશ્યુ થાય, દવાઓ સહિતના કાઉન્ટર પર દર્દીઓને લાઈન વગર ઝડપથી સેવા મળે, લિફ્ટ સહિતની સુવિધાઓ 24 કલાક વિના વિક્ષેપે કાર્યરત રહે, વિવિધ યોજના હેઠળ સરકાર તરફથી દર્દીઓને અપાતી સહાયની રકમ નિશ્ચિત સમયગાળામાં અપાઈ જાય, ગ્રીન કોરીડોર ઉપલબ્ધ વિકસિત કરાય તે સુનિશ્ચિત કરવાની દિશામાં કામગીરી કરવા તેમણે નિર્દેશ આપ્યા હતા. ગોધરા સિવિલ ખાતે મેડિકલ કોલેજને મંજૂરી મળી છે ત્યારે મેડિકલ કોલેજ માટે આવશ્યક એવી સુવિધાઓની સ્થિતિ અંગે પણ તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, આગામી સપ્તાહે ગોધરા સિવિલ ખાતે “આપ કે દ્વાર આયુષ્માન” મેગા ડ્રાઇવ અંતર્ગત 21 ઓક્ટોબરે યોજાનાર મેગા કેમ્પની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરના 80 લાખથી વધુ કુટુંબોને પીએમ-જેએવાય માં કાર્ડ યોજના અંતર્ગત આવરી લેવાનું આયોજન છે ત્યારે આ મેગા કેમ્પના માધ્યમથી પંચમહાલ જિલ્લાના પણ મહત્તમ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, આરએમઓ ડો. મયૂરીબેન શાહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here